પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
માણસાઈના દીવા
 

નવી નવાઈનું નહોતું. એણે પોતાની ચોરી વર્ણવી, ફોજદારની દુષ્ટતા વર્ણવી, ચાલીસનો જોગ કેમ કર્યો તે વર્ણવ્યું ને ઘીને બદલે તેલનો ડબો ભર્યો તે વર્ણવ્યું; કારણકે, "તમે મહારાજ, આટલા સુધી જશો તેવું ધાર્યું ન'તું!"

મહારાજને બે દિન પૂર્વેની સાંજ રે રસ્તે મળેલો ફોજદાર યાદ આવ્યો. એ વખતે એના કલેજાની નજીકમાં નજીક રૂપિયા ચાલીસની રુશ્વત સંઘરેલ હશે; ને છતાં એના હોઠ ઉપર આ શબ્દો હતા : 'ગમે તેવી તોયે જાત ખોટી ! તમે વખાણો છો; પણ આ તો સોનાની ઝારી....'

ગોકળની વાતો સાંભળનારા હસી પડ્યા : કારણ કે ગુનો કરનારો કોણ—ગોકળ કે ફોજદાર—તે જ મીઠી સમસ્યા બની ગઈ. ન હસ્યા મહારાજ. એને તાગ લેવો હતો—માનવીના મનમાં બળતા આ દીવાની દિવેટ કયા તેલમાં બોળાઈ છે તે વાતનો. એમણે પૂછ્યું :

"પણ તેં ચોરી શા સારુ કરી ?"

"બર્યું, શું કહેવું !" ગોકળ શરમાતો હતો.

"તું એકલો હતો ?"

"ના, બે જણ હતા. આ મુલકમાં તમારા આવ્યા પહેલાં હું ન‘તો કરતો. પણ થતાં થઈ ગયું. એક રાતે અમે બે જણ તરાવે (તળાવે) બેઠેલા, આ લવાણો તાંથી નેકર્યો. દહેવાણ ગામ જમવા જાય. એવા એને ભારીને મારો સંગાથી કહેવા લાગ્યો કે, મારાં સારાને દા'ડે લૂંટવું, ને રાતે જમવા હેંડ્યો ! મારી સારી લવાણાની જાત્ય છે કંઈ ! એવા એ આપણને લૂંટે છે. તો આપણેય એમને લૂંટી લેવા જોઈએ. 'જઇશું ગોકર ?' મેં કહ્યું કે, બર્યું, હવે જવા દેને ! પેલો કહે કે, હવે હેંડ હેંડ. મેં કહ્યું કે, લે હેંડ તારે. ગયા એને હાટડે. તારું (તાળું) મચરડીને ઊઘેડી નૉછ્યું માંઈથી બે ડબા ઘીના લઈ લીધા.... પણ તમે આવું કરશો એ નતું જાણ્યું !"

મહારાજને મોંએ મલકાટ હતો, પણ હૃદયે રુદન થતું : હશે કોઈ બાળક પણ આવું નિષ્પાપ ! પણ નિષ્પાપપણું બસ નહોતું. માનવી બાળક