પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
માણસાઈના દીવા
 

ન રહી. મહારાજ ઘડીભર તો ચમકી ગયા; પણ પછી તરત એણે સમધારણ સાચવી લીધી. ફરી પાછો પેલો મુસલમાન દાજી બોલી ઊઠ્યો :

"ચાર આના ન હોય,—છ આના : માંડ મારે ખાતે ! ને હવે લેજે તારા દસ રૂપિયા, મારી સાસરી ! તારી બુનની હગની લેજે ! જોઈ–જોઈ તને."

મહારાજે લોકોના ગુસ્સાને વારી લીધો. લુહાણાને એક શબ્દ પણ ન કહ્યો. સૌ ઊઠ્યા. ધર્મશાળાએ આવતાં રસ્તે દાજી કહેતો હતો : "મહારાજ, આ લવાણા છે ને, તે આપણા પક્ષના નહિ, હો !—સરકારના પક્ષના. સરકારે જ એમને કહી મેલ્યું છે કે, 'તમતમારે લૂંટજો લોકોને. તમારાં નાણાં અમે ખોટાં નહિ થવા દઈએ. એટલા સારુ તો અમે કોરટો રાખી છે !' એમ લવાણા સરકાર–પક્ષમાં, આપણામાં નહિ. "

સૌ હસ્યા. મહારાજે પણ મોંનો આછો મલકાટ પુરાવ્યો.

પણ આ પ્રકરણ હજુ પૂરું નહોતું થયું. કઠાણાના ફોજદારને ખબર પડી. ચડી વાગવાનો એણે પોતાનો વારો સમજી લીધો. આવીને એ ખાલી ડબા કબજે લઈ ગયો; અને મહારાજને કહે કે, "ગુનેગારનું નામ આપો."

"નહિ આપું."

"ખબર છે—ગુનો થાય છે ?" બાપડાને એ એક જ મોપાટ આવડતી હતી : 'ગુનો થાય છે.'

"છો થતો." મહારાજે ઠંડે કલેજે જવાબ આપ્યો : "મેં એને અભય-વચન આપ્યું છે."

ફોજદારે મહારાજ પર કેસનાં કાગળિયાં કર્યાં. આ કાગળિયાં ખેડાના અંગ્રેજ પોલીસ–ઉપરી પાસે ગયાં. એણે ફોજદારને બોલાવીને ધમકાવ્યો :

"કોના ઉપર કેસ કરે છે તે તું જાણે છે ? જે લાંઘી લાંઘીને ગુના મનાવી રહેલ છે તેના પર કેસ ! ખબરદાર—જો આવા કેસ કર્યા છે તો !"