પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

ચુકવી આપવા કબુલ કર્યું. આ કાંઇ સત્યાગ્રહને થોડું માન ન કહેવાય. સાધારણ રીતે અમારી પાસેથી પકડેલા કેદીને અમને સોંપાયજ કેમ ? તેમાંના કોઇ ચાલ્યા જાય તો કંઇ જવાબદારી અમારી ન હતી. પણ સત્યાગ્રહીનું કામ તો પકડાવાનુંજ હોય, એમ બધા સમજતા થયા હતા તેથી વિશ્વાસ બેસી ગએલો. આમ ચાર દિવસ સુધી પકડાએલા જણ અમારી સાથે રહેલા. જ્યારે તેઓને લઇ જવાને પોલીસ તૈયાર થયા ત્યારે તેઓ ખુશીથી તાબે થયા.

ટુકડીઓની ભરતી થતી ચાલી. કોઇ રોજ ચારસો તો કોઇ રોજ તેથી પણ વધારે. ઘણાઓ પગે ચાલતા તથા બૈરાંઓ મુખ્યત્વે કરીને ગાડીથી આવવા લાગ્યાં. ચાર્લ્સટાઉનના હિંદી વેપારીના મકાનોમાં જ્યાં જગ્યા હતી, ત્યાં સમાસ કર્યો. ત્યાંની કોરપોરેશને પણ મકાન આપ્યાં. ગોરાઓ બીલકુલ કનડગત નહોતા કરતા, એટલુંજ નહીં પણ મદદ કરતા હતા. ત્યાંના ડાક્ટર બ્રીસ્કોએ મફત સારવાર કરવાનું માથે લીધું ને અમે જ્યારે ચાર્લ્સટાઉનથી આગળ વધ્યા ત્યારે તેણે કીમતી દવાઓ અને કેટલાંક ઉપયોગી શસ્ત્રો મફત આપ્યાં. રસોઇ મસ્જીદના મકાનમાં થતી હતી. અને ચુલો ચોવીસે કલાક સળગાવવો પડતો હતો. રસોઇ કરવાવાળા હડતાલીઆમાંથીજ તૈયાર થયા હતા. છેલ્લા દહાડામાંથી ચારથી પાંચ હજાર માણસોને જમાડવાનું રહેતું. છતાં આ કામદારો કાયર નહિ થયેલા. સવારમાં મકાઇના આટાની રાબ તેમાં શકર મેળવીને આપવામાં આવતી હતી તથા તેની સાથે રોટી. સાંજના ચાવલને દાળ તથા શાક આપવામાં આવતાં હતાં. બધા દક્ષિણ આફ્રીકામાં ઘણે ભાગે ત્રણ વખત ખાનારા હોય છે. ગીરમીટીઆ હમેશાં ત્રણ વખત