પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

કે. નાયડુને હજામના કામની પૂરી વાકેફગારી હતી. મને પોતાને પણ થોડું ઘણું આવડે છે. મેં વાળ મૂછ કાપ્યા તે જોઇ તથા તેનું કારણ સમજીને બીજાઓએ પણ તેમ કર્યું. કેટલાકે માત્ર વાળ જ કપાવ્યા. મિ. નાયડુ તથા હું મળીને હમ્મેશાં બે કલાક હિન્દી કેદીઓના વાળ કાપવામાં ગાળતા હતા. હું માનું છું કે આથી સુખાકારી અને સગવડ વધ્યાં હતાં. તેથી કેદીઓનો દેખાવ સુઘડ લાગતો હતો. જેલમાં અસ્તરો વાપરવાની સખત મનાઈ છે, માત્ર ઘોડાકાતર વાપરવામાં આવે છે.

તપાસ.

કેદીઓની તપાસ જુદા જુદા અમલદારો કરવા આવે ત્યારે દરેક કેદીએ હારબંધ થ‌ઇ જવું જોઈએ. અમલદાર આવે ત્યારે ટોપી ઉતારી સલામ કરવી જોઈએ. બધા કેદીને અંગ્રેજી ટોપી હતી, એટલે તે ઉતારવામાં કશી બાધ ન હતી, અને ઉતારવી જોઇએ એ કાયદેસર હતું, એટલું જ નહિ પણ મુનાસબ હતું, આમ હારબંધ થઈ જવાનો હુકમ, જ્યારે કોઈ અમલદર આવે ત્યારે "ફૉલઇન" એ શબ્દ વાપરીને આપવામાં આવતો હતો. એટલે "ફૉલઇન" એ શબ્દ અમારો ખોરાક થઇ રહ્યો હતો. તેનો અર્થ માત્ર એ છે કે હારબંધ થઇ ધ્યાન પૂર્વક ઊભા રહો. આમ દિવસના હમ્મેશાં ચાર પાંચ વખત થતું. તેમાંનો એક અમલદાર જે મદદનીશ મુખી દારોગો કહેવાતો હતો, તે જરા અક્કડ હતો તેથી તેનું નામ હિન્દી કેદીઓએ "જનરલ સ્મટ્સ" પાડ્યું હતું. તે સવારમાં ઘણી વખત વહેલો આવતો, અને પાછો સાંજના પણ આવી જાય. સાડા નવ વાગે ડાક્ટર આવતો તે બહુ