બહાર સૂવા જતા. પણ તેઓને સવારના પાછા લાવતા એટલે ફળિયું તો એકદમ સાંકડું પડ્યું. તેટલી જગ્યામાં બહુ મુશ્કેલીથી કેદીઓ રહી શકતા હતા. તેમાં વળી જ્યારે આપણી કુટેવ પ્રમાણે આપણે જ્યાં ત્યાં થુકીએ ત્યારે જગ્યા બહુ ગંદી થવાનો અને પછી મંદવાડ લાગૂ પડવાનો સંભવ હતો. સારા નસીબે લોકોને સમજાવતાં તેઓ માનતા, અને ફળિયું સાફ રાખવામાં મદદ કરતા. ઘણીજ કાળજી ફળિયું તથા જાજરૂ તપાસવામાં રખાતી હતી, તેથીજ લોકો માંદગીમાંથી બચી શકેલા. આટલા કેદીઓને એવી સાંકડમાં રાખ્યાં તેમાં સરકાર ગુન્હેગાર છે એમ સૌ કોઇ કબૂલ કરશે. જો જગોની તંગી હતી તો સરકારને લાજમ હતું કે એટલા કેદીને નહિ મોકલવા જોઇતા હતા. જો લડત લાંબી ચાલી હત તો સરકાર કદિ વધારે કેદીનો સમાવેશ નહિ કરી શકત.
વાંચન.
હું અગાઉ જણાવી ગયો છું કે જેલમાં અમને ટેબલ મળવાની ગવર્નરે રજા આપી હતી. સાથે ખડીયો, કલમ વિગેરે પણ આપ્યાં હતાં. જેલને લગતી લાયબ્રેરી છે, તેમાંથી કેદીઓને ચોપડીઓ મળે છે, તેમાંથી મેં કાર્લાઈલનાં પુસ્તક તથા બાઈબલ લીધાં હતાં. ચીનો ઇન્ટરપ્રીટર આવતો તેની આગળથી અંગ્રેજી કુરાનેશરીફ, હક્ષ્લીનાં ભાષણો, બર્ન્સ, જોન્સન અને સ્કૉટની જીંદગીનાં કાર્લાઈલે લખેલા વૃતાંત તથા બૅકનના નીતિ વિષેના નિબંધો એટલાં પુસ્તક લીધાં હતાં. મારી પોતાની ચોપડીમાંથી મણીલાલ નટુભાઈની ટીકાવાળું ગીતાજીનું પુસ્તક, તામીલ પુસ્તકો,