પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
ગાંધીજીનો જેલનો અનુભવ.

કાફરાઓને સારૂ પણ ખાસ પરવાનગી લઈ કેટલાક પાદરીઓ આવે છે. કાફરઓને સારૂ દેવળ નથી. તેથી તેઓ જેલના મેદાનમાં બેસે છે. યાહુદીઓને સારૂ તેઓના પાદરી આવે છે.

પણ હિન્દુ મુસલ્માનને સારૂ તેવું કંઈ જ નથી, હકીકતમાં હિન્દી કેદી ઘણા હોતા નથી. છતાં ધર્મને સારૂ કેદમાં કશું સાધન નથી એ હિન્દી કોમને હિણપણ લગાડાનારૂં છે. આ બાબત બંને કોમના આગેવાનોએ વિચાર કરી બંને ધર્મ ગુરુનું શિક્ષણ એક હિન્દી કેદી હોય તેને પણ આપવા વિચાર કરવો ઘટે છે. આવું કામ કરવાને મોલવી તથા હિન્દુ ધર્મગુરુ સ્વચ્છ દિલના હોવા જોઈએ. નહિ તો શિક્ષણ તે શૂળરૂપ થઈ પડવાનો સંભવ છે.

અંત.

ઘણું ખરું જે જાણવા જેવું હતું તેનો સમાવેશ ઉપરનામાં થઈ જાય છે. કેદમાં કાફરાઓની સાથે હિન્દીની ગણત્રી થાય છે. તેને વિષે વધારે વિચાર કરવો ઘટે છે. ગોરા કેદીઓને સૂવાને ખાટલી મળે છે. દાંત સાફ કરવાને દાતણ, તથા નાક, મોઢું સાફ કરવાને ટુવાલ ઉપરાંત રૂમાલ મળે છે. આ બધું હિન્દી કેદીને કેમ ન મળે તે તપાસવા જેવું છે.

આવી બાબતમાં આપણે ક્યાં પડીએ એમ કોઇએ ધારવાનું નથી. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત પ્રમાણે ઝીણી બાબતોની વડેજ આપણું માન