સાથે લઇ જતા. આમાં પણ કંટ્રાક્ટરને સંતોષ ન મળ્યો. અમે કાફરોની બરાબરી ન કરી શક્યા. બે દહાડા તળાવ ઉપર કામ કરાવીને અમને બીજું કામ સોંપ્યું. આજ લગી ઘણે ભાગે કામ કરી શકે તેવા હિંદીને સાથે લઇ જતા. હવે તેમ કરવા બદલે ભાગ પડ્યા. કેટલાકને સોલજરોની કબર આસપાસ ઘાસ ઉગી ગયું હતું, તે ખોદી કહાડવા મોકલ્યા. આ પ્રમાણે કેટલોક વખત ચાલ્યું. દરમ્યાન બાર બર્ટનના કેસ પછી લગભગ પચાસ હિંદી છૂટ્યા.
વાડીનું કામ.
ત્યારબાદ હંમેશાં વાડીનું કામ મળતું. તેમાં ખોદવાનું,લણવાનું, કચરો કહાડવાનું વિગેરે હતું. આ કામ ભારે ન ગણાય. અને બહુ તન્દુરસ્તી આપનારૂં કહી શકાય. જાથુ નવ કલાક સુધી એવું કામ કરતાં પ્રથમ કંટાળો આવે. પણ ટેવ પડ્યા પછી તેવું નહિ થાય.
પાયખાના સાફ કરવાનું કામ..
આવા કામ ઉપરાંત દરેક કોટડીમાં પેસાબ વિગેરેની બકેટ હોય છે, તે કોટડીના માણસોને ઉપાડી જવાની ફરજ છે. મેં જોયું કે આવું કામ કરતાં આપણા માણસો અચકાય છે. ખરૂં જોતાં આમાં અચકાવાનું કાંઇ કારણ નથી. કામ કરવામાં નામોશી કે એબ માનવી એ ભૂલ ગણાય. વળી જેલમાં જનારને એવી ઇબારત પોસાય નહિ. હું જોતો કે કોટડીમાંથી પેસાબની બકેટ કોણ લઇ જશે એવો સવાલ કેટલીક વખતે ઉઠતો. આમ સવાલ ઉઠવાને બદલે જો આપણે સત્યાગ્રહની લડત પૂરી સમજતા હોઇએ તો તેવું કામ કરવામાં હરિફાઇ થવી જોઇએ. ને જેને ભાગે તે કામ કરવાનું આવે તેને