પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

સામે આપણે ચીઢ રાખીએ છીએ તેને પરિણામે ઘણે ભાગે આપણા આંગણા તથા જાજરૂ વિગેરે આપણે ખરાબ સ્થિતિમાં જોઈએ છીએ. એટલુંજ નહિ પણ તેને લીધે મરકી વિગેરે રોગો આપણે પેદા કરીએ છીએ. જાજરૂ તો હંમેશાં ખરાબ જ હોય એમ આપણે માની બેઠા છીએ, અને ઘણી વેળા આપણે ગંદાઈનું તહોમત ભોગવીએ છીએ. એવી જાતનું કામ ન કરવાને માટે એક હિંદીને સોલીટરી સેલની એટલે કે ભોંયરામાં પૂરી રાખવાની સજા ભોગવવી પડી હતી. સજા ભોગવી તેની હરકત નથી ગણતો, પણ તે સજા ભોગવવાની જરૂર નહોતી, અને તેવા કામની આનકાની કરવામાં આપણે પાછા પડીએ એ ઠીક ન ગણાય. હવે જ્યારે હું તે કામ કરવાને સારૂ જવા લાગ્યો ત્યારે દરોગો બીજાઓને ટોકવા લાગ્યો, કે તેઓએ નીકળવું જોઇએ. આથી હુકમની વાત ફેલાઈ અને તરત મિ. ઉમર ઓસમાન તથા મિ. રૂસ્તમજી મદદે દોડ્યા, જો કે કામ બહુ ઓછું હતું. આ વાત લખવાનો હેતુ એ છે કે તેઓએ તેવું કામ સરકાર કરાવે તો કરવામાં માન માન્યું. જો આપણને મળતાં કામથી આપણે નારાજ રહીએ તો આપણાથી ખરી લડાઇમાં ભાગ ન લઇ શકાય.

જોહાન્સબર્ગમાં બદલી.

ઉપર પ્રમાણે વોક્સર્સ્ટની જેલમાં કામનો હેવાલ હું આપી ગયો છું. પણ મારા બે મહિના પૂરા કંઇ તે જેલમાં નહિ ગએલા, અને ક્ટલાક દિવસને સારૂ અચાનક જોહાન્સબર્ગ મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાં જે બન્યું તે જાણવા જેવું છે. ૨૫મી અક્ટોબરે મને ત્યાં લઇ જવામાં આવ્યો. તેનું કારણ મારે દરજી ડાહ્યાના