પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
ગાંધીજીનો જેલનો અનુભવ.

તે મળ્યાજ કરશે એમ કહ્યું. એટલે તે પણ મેં પન્દર દિવસે લીધી. પણ મારી ખુશાલી એકજ દિવસ ટકી. બીજે દિવસે મને માલમ પડ્યું કે હુકમ તો ઉપર મુજબ છે, એટલે ફરીથી મેં ચાવલ ઘી અને રોટી લેવાનો ઈન્કાર કર્યો. વડા દારોગાને જણાવ્યું કે "જ્યાંલગી બધા હિન્દીને તે પ્રમાણે ઘી નહિ મળે ત્યાંલગી હું નથી લઈ શકતો." ડેપ્યુટી ગવર્નર જે સાથે હતો તેણે કહ્યું "તે તારી મરજી ઉપર આધાર રાખે છે."

મેં ફરીથી ડિરેક્ટરને લખ્યું. મને જણાવવામાં આવ્યું હતું કે ખોરાક છેવટે નાતાલના જેવો થશે, મેં તેની ઉપર ટીકા કરી અને હું પોતે ઘી નથી લઈ શકતો વિગેરે કારણો બતાવ્યાં. છેવટે બધું મળી દોઢ માસ ઉપરાંત વીતી ગયો ત્યારે મને હુકમ આવ્યો કે જ્યાં જ્યાં હિન્દી કેદી ઘણા હશે ત્યાં ત્યાં ઘી આપવામાં આવશે. આમ લડત લીધા બાદ દોઢ માસે મારો અપવાસ (રોજો) છૂટ્યો એમ કહીએ તો ચાલે. મેં લગભગ છેલ્લો એક માસ ચાવલ ઘી તથા રોટી ખાધાં પણ સવારે ખાવાનું નહિ રાખ્યું, તેમજ ચાવલ રોટી લેવા શરૂ કર્યા પછી બપોરના જ્યારે પૂપૂ આવતું ત્યારે તે પણ ભાગ્યે જ દસ ચમચા લેતો હોઈશ. કેમકે તે હંમેશા જૂદી રીતે રંધાયેલું હોય. છતાં રોટીનો તથા ઘીનો આધાર ઘણો હતો, એટલે તબિયત વળી. મેં ઉપર કહ્યું કે તબીયત વળી. કેમકે હું એકજ ટંક ઉપર હતો ત્યારે મારી તબિયત પડી ભાંગી હતી. મારી તાકાત ગઈ હતી અને મને દશેક દિવસ સુધી સખત આધાશીશી થઈ આવેલ તથા છાતી બગડવાની નિશાની જણાઈ હતી.