પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૯
ગાંધીજીનો જેલનો અનુભવ.

ગુજરાતી હિંદી અને સંસ્કૃત એ પુસ્તકોમાં સ્વામીજીના તરફથી મોકલાએલ વેદ-શબ્દ-સંજ્ઞા, ભટ્ટ કેશવરામ તરફથી મળેલા ઉપનિષદ, મિ. મોતીરામ તરફથી મળેલ મનુસ્મૃતિ, ફીનીક્સમાં છપાયેલ રામાયણસાર, પતંજલ-યોગ-દર્શન, નથુરામજીની બનાવેલી આહિનકપ્રકાશ તથા પ્રોફેસર પરમાનંદે આપેલી સન્ધ્યાની ગુટિકા, ગીતાજી તથા મરહુમ કવિશ્રી રાયચંદના લખાણ આ પ્રમાણે વાંચવામાં આવ્યાં આ બધામાંથી મને ઘણું વિચારવાનું મળ્યું. ઉપનિષદથી મને અત્યંત શાંતિ રહેલી. તેમાં એક વાક્ય મને ચોંટી રહ્યું છે તેનો સાર એ છે કે જે કંઈ તું કરે તે આત્માના કલ્યાણને ખાતર કરજે. એ શબ્દોમાં લખાએલું છે. તે બહુ રસિક છે. તેમાં બીજું ઘણુંએ વિચારવા જેવું છે.

પણ સર્વથી વધારે સંતોષ કવિશ્રી રાયચંદનાં લખાણમાંથી મળ્યો. તેમના લખાણ મારા વિચાર પ્રમાણે તો સર્વને માન્ય થઈ પડે તેવાં છે. તેમની રહેણી ટોલ્સટોયની જેમ ઊંચા પ્રકારની અતી. આમાંથી તથા સન્ધ્યાના પુસ્તકમાંથી કેટલોક ભાગ મેં મોઢે કરેલો. તેનું રટણ જ્યારે જ્યારે રાતના જાગું ત્યારે કરતો અને સવારના અર્ધો કલાક હંમેશાં તેજ વિચારમાં ગાળતો. મોઢે કરેલું ઘણું બોલી જતો અને આથી મન રાતદહાડો આનંદમાં રહેતું. કોઈ વેળા નિરાશા આવે તો વળી વાંચેલાનો વિચાર થાય કે તુરત હસતો થઈ જાઉં, તથા ઈશ્વરનો ઉપકાર માનું. આ વિષે પણ ઘણા વિચારો વાંચનાર આગળ મૂકવા જેવા છે છતાં તેમ કરવાનો આ પ્રસંગ નથી. માત્ર એટલું જ કે આ જમાનામાં સારાં પુસ્તકો તે સત્સંગની