પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


સદાશિવ ટપાલી


"થાવા જ દઉં નહિ ને ! પાટે ચડવા જ દઉં નહિ ને ! ભલેને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે ! "

આટલું બોલીને ભવાનીશંકરકાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાબોટાના રણકાર સારા બોલ્યા.

"જોયું ! મારી તાળી પણ સાક્ષી પૂરે છે !" એટલું કહી, નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ ફાકડો પૂરી દીધો. અમરસંગની કટારી જેવી એની કતરાતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપાલીની લોહી-છલકતી પીઠ પાછળ દોદી જતી હતી. અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાનીશંકરકાકાની એ દ્રષ્ટિ તીણું ત્રિશુળ બની જાત અને સદાશિવના ભરાવદાર બરડામાંથી આરપાર નીકળત. જમના શુકલાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બરડો એટલો બધો આકર્ષક હતો.

લોટ માગવાનો વ્યવસાય મોળો પડ્યો હતો. મોરુકા વખતની કણબણો ખોબા ભરીને લોટ દેતી, તે હવે રાંધણિયામાંથી જ 'હાથ એઠા છે, મા'રાજ !" કહીને શુકલોને વિદાય દેતી. જાત-મહેનતના ધંધામાં હીણપ લાગતી, એટલે ભવાનીશંકરકાકાની ડેલીએ શુકલ-ન્યાતના નવરા બ્રહ્મપુત્રોનો અખાડો ભરચક રહેતો. એ મંડળમાં અત્યારે સદાશિવ ટપાલીની ચર્ચા મંડાઇ.

"ભવાનીકાકા ! ઘર બંધાવા ધોને બાપડાનું ! બિલાડાની જેમ 'વઉ ! વઉ !' કરી રહેલ છે !"