પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“એમ કાંઇ ઘર બંધાશે ! મોટો ભાઇ કુંવારો મૂઓ, તેનાં લીલ પરણાવ્યાં નથી, બાપનું કારજ કર્યું નથી. અરે, પોતેય જનોઈના ત્રાગડા વાઘરીની જેમ પે’રી લીધા છે. આટલી પેઢીથી ન્યાતનાં ભોજન ઊભે ગળે ખાધાં છે, અને હવે ખવરાવવામાં ઝાટકા શેના વાગે છે !”

“બાપના વખતનું કંઈ ઘરમાં ખરૂં કે નહિ, ભવાનીકાકા ?”

“ખોરડું છે ને ! શીદ ને નથી વેચતો ?”

"પણ પછી એને રે'વું ક્યાં ?"

"એને શું છે ! વાંઢો છે. આપણા ખડવાળા ઓરડાની ઓસરીને ખૂણે ભલેને રોજનાં બે દડબાં ટીપી લ્યે; કોણ ના પાડે છે ?"

"પણ અત્યારે કોણ એ ખોરડાનાં નાણાં દેતું ' તું ?"

"ન્યાતનું મોં મીઠું થતું હોય, ન્યાતનો ધારો સચવાતો હોય ને એનું પણ સારું થતું હોય તો હું રાખી લઉં."

"હા ! ભવાનીકાકાને હવે વધુ ખોરડાની જરૂર પડશે. દીકરા મોટા: જુવાન દીકરી ઘરમાં: પોતાનું ત્રીજી વારનું પરણેતર... વસ્તાર તો વધે જ ના !"

"ભવાનીકાકાને સળંગ ઓસરીએ એના શીરાબંધ ઓરડા ઊતરે હોં !"

"મારે તો ઠીક, સાંકડ્યેમોકડ્યે ચલાવી લેવાય. પણ આ તો ન્યાતનું ભૂષણ નથી રે"તું; ન્યાતનો ધારો તૂટે છે, શુકલ બામણનાં બસો કુટુંબોનાં મોઢાંમાંથી મીઠો કોળિયો જાય છે."

એ વખતે જ ભવાનીશંકરકાકાની પંદર વર્ષની કિશોર દીકરી મંગળા પાણીનું બેડું ભરીને ડેલીમાં થઇ ઓરડે ચાલી ગઇ. મંગળાની હેલ્ય ઉપર કાગડો બેસે એ રીતે ઊડી-ઊડી ને બ્રાહ્મણોનાં હૈયાં એ રૂપ ઉપર રમવા લાગ્યાં. કો ઇ ટીખળીએ કહ્યું: "કાકા ! સદાશીવને જમાઇ જ ન કરી લેવાય ?"

"નરહરિશંકર !" કાકા કોચવાઇ ગયા: "કાગડાને મોતીના ચારા નીરનાર હું ગમાર નથી. હું અંબાજીનો ઉપાસક દ્વિજ-પુત્ર છું. દ્વિજો નો પણ