પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ના, ના; મંગળાને એમાં શું પૂછવું છે ? બ્રાહ્મણ માબાપનું કિશોરબાળ પૂછ્યે જવાબ પણ શો આપવાનું હતું ! પોસ્ટ-ઑફિસ સામેની ટાંકીએ મંગળા પાણી ભરવા જતી, ત્યારે સદાશિવ એને બેડું ચડાવવા આવતો ખરો; પણ એ કદી હસ્યોય નહોતો, મંગળાની સામે ટીકતોય નહોતો; બની શકે તેટલો છેટો રહીને બેડું ચડાવતો. ગામની મેમણિયાણીઓ આડાં બેડાં નાખીને જોરાવરીથી મંગળાનો વારો ટાળતી, ત્યારે સદાશિવ ખડે પગે ઊભો રહીને મંગળાને રક્ષણ દેતો. પણ એ કાંઇ પ્રેમ કહેવાય ! પ્રેમ શું એવો મૂઢ હોય ! પ્રેમની તો અદ્ભુતતા હોવી જોઇએ ને !

મંગળા તો ગામની કન્યાશાળામાં પાંચ ગુજરાતી ભણી હતી. દાકતરે દીકરીઓને અંગ્રેજી શીખવવા ઘેર એક માસ્તર રાખ્યો હતો. ત્યાં જઇને અંગ્રેજી ભણવા માટે પણ મંગળાએ મન કરેલું. પણ ભવાનીશંકરકાકા તો શુક્લની દીકરી અર્ધે માથે ખસી ગયેલ ઓઢણે 'વંઠેલ' ભાષા ભણવા બેસે તે કલ્પનામાત્રથી જ કંપી ઊઠેલા. પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી, અને કન્યા શાળાના મેળાવડાઓમાં ગીત-ગરબા તેમજ સંવાદોમાં પાઠ લેવા દીધેલા, તે તો કોઇ સારો મૂરતિયો મેળવવાના હેતુથી. કોઇ દરબારી કે સરકારી અમલદાર મળી જાય, તો મંગળાને પણ ભયોભયો; પોતાનો પણ વશીલો; દિકરાઓને કન્ટ્ર્રાક્ટનાં બહોળાં કામકાજ હાથમાં આવે... એ બધું એમની ગણતરી બહાર નહોતું.

[ ૨ ]

શુદ્ધ શુક્લ-ઓલાદના એ બ્રહ્મપુત્રની આશા બરોબર ફળી; ઇડર રાજના 'પબ્લિક પ્રોસિક્યુટર' રાંડ્યાં. ઉંમર વર્ષ પિસ્તાલીસથી વધારે નહોતી. એની ખાતરી જોઇતી હોય તો પ્રોસિક્યુટર સાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સર્ટિફિકેટ તેમણે મેળવ્યું હતું. પણ ભવાનીશંકરકાકાને એ ખાતરીની ક્યાં જરૂર હતી ? મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઇ રહેવાનાં હતાં. ટૂંકામાં, પ્રોસિક્યુટર પચાસ માણસોની જાન લઇને એક દિવસ આવ્યા. ઇડરના ઠાકોર સાહેબ ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઇને એક કલાક માટે પ્રોસિક્યુટરની