પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામ હોય, તેથી બળતે બપોરે જતી. ગામથી અરધો ગાઉ દૂરના એ ઓરિયા પાસે થઇને જ સદાશિવ હલકારાનો કેડો જાતો. એ રીતે કોઇકોઇ વાર એ નદીપ્રવાહ, એ બળતો વગડો અને એ હૈયાશૂન્ય ટપાલી – ત્રણેયના નિત્ય સંગાથમાં એક ચોથું જણ ભળતું: રાંડીરાંડ મંગળા. મંગળાની કીકી સારુ સદાશિવ પોતાની કેડ્યે પીપરર્મીટની પડીકી ચડાવી રાખતો. કોઇકોઇ વાર થેલો ઝાડના થડ પાસે મેલીને માટી ખોદી આપતો, ગાંસડી ચડાવતો; પણ અગાઉની માફક જ મૂંગો રહેતો. સામી મીટ માંડતો ખરો, પણ સસલાની માફક બીતોબીતો.

હા ! ધીરે ધીરે એક પાપ એના અંતરમાં ઊગ્યું: આ ઓરિયાની અંદર મંગળા થોડેક વધુ ઊંડાણે ઊતરી જાય.... એકાએક એના ઉપર ભેખડ ફસકી પડે... એ ક્ષણે જ પોતે નીકળે... નાની કીકી રોતી હોય, મંગળાનું ધોળું ઓઢણું અથવા માથાનો લીસો મૂંડો જરીક બહાર દેખાતો હોય, તે નિશાનીએ દોડીને પોતે મંગળાને એ દડબાં નીચેથી બહાર કાઢે, પાણી છાંટે, પવન નાખે, જીવતી કરે; ને પછી -

આહાહા ! પછી શું ? અદભુત કોઇ નવલકથાના વીરની માફક મંગળાને અલૌકિક પરાક્રમથી જીતવી હતી; ઘર માંડવું હતું; આ માટીથી ઓરડો લીંપાવવો હતો. મંગળાને માથે ભલે વાંભ એકનો ચોટલો ના હોય, ભલે મૂંડો જ રહે, ભલે એનું રૂપ શોષાઇ ગયું, સદાશિવ તૈયર હતો.

પણ જીવતર ક્યાં નવલકથા છે ! આવા જ કશા દટણપટણની જરૂર ન પડી, એવો એક દિવસ સીધીસાદી રીતે આવી ગયો કે જ્યારે દુ:ખના ડુંગરા હેઠ ચંપાતાચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા-મારવાની હિંમત ભીડી.

મંગળા એટલું જ બોલી: “આમાંથી મને બહાર કાઢ. પછી રૌરવ નરકનાં દુ:ખ ભોગવવાય હું તૈયાર છું."

સદાશિવે દૂર ઉભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાંપી; કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યું: ‘આ