પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નદીની સાક્ષી: આખી દુનિયાની સામે ઊભો રહીને તને ને કીકીને હું પાળીશ.”

વૈશાખ શુદ પાંચમની રાતે નદી- કાંઠાના ઉજ્જડ શિવાલયના વાડામાં પચાસ ભેટબંધ શુક્લ બ્રાહ્મણોના હાથની ડાંગોની ઝડી વરસી, અને એમાં ત્રણ જણાંનાં માથાં ફૂટ્યાં: પરણવા બેઠેલાં ટપાલી સદાશિવનું ને વિધવા મંગળાનું તેમ જ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર કમ્પાઉન્ડર વિશ્વનાથનું, વિશ્વનાથ બેભાન બન્યો ત્યાં સુધીમાં તો સપ્તપદી ગગડાવીને પૂરી કર્યે જ રહ્યો.બેશુદ્ધિમાંથી જાગ્યો ત્યારે પણ એ બહાદરિયો મંત્રો જ બબડતો હતો. ગામના બ્રાહ્મણો એને 'સાળો વીશવો આર્યસમાજીડો !' કહી ઓળખતા.

ત્રણેય જણાં એક પખવાડિયે દવાખાનામાંથી સાજાં થયાં. સદશિવને પોસ્ટ-ખાતામાંથી ‘બરાબર નોકરી કરતો નથી’ તે કારણે રજા મળી. કોળીવાડને પડખે એ બેય જણાંને ઓડ લોકોએ નાનું ઘર બાંધી આપ્યું. કોળીઓ ભેગા થઇને કહે, “મા’રાજ ! તું જો કે’તો હો ને, તો અમે ઇ પચાસેય શુક્લોનાં ઘરમાં આવતા અંધારિયે ગણેશિયા ભરાવીએ.” સદાશિવે હસીને ના પાડી.

ને દુનિયા શું આટલી બધી નફટ છે ! એની નફટાઇની અને એના ભુલકણા સ્વભાવની તે શી વાત કરવી ! સદાશિવ અને મંગળા રોજ પેલા ઓરિયની માટી લાવે છે, ચોમાસે સીમમાંથી ખડની ગાંસડીઓ લાવે છે, ઉનાળે કરગઠિયાંની ભારીઓ લાવે છે: નફટ લોકો એ ચાંડાળોથીયે બેદ બે પાપાત્માઓની ભારીઓ વેચાતી રાખે છે !

બે વરસમાં તો કીકી પણ પોતાની નાનકડી ભારી માથે લઇને માબાપની વચ્ચે ઊભતી થઇ ગઇ. હૈયાફૂટાં ગામ લોકો એ ત્રણ ગાંસડીઓ પર જ શા સારું અવાયાં પડતાં હશે !

- ને શાં ઘોર પાપ બિચારા ભવાનીકાકાનાં, કે સગી આખેં એને આ બધું જીવ્યા ત્યાં સુધી જોવું પડ્યું ! ઓ અંબાજી મા ! કયા ઘોર પાપે !