પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એમાં તાર શો ? પત્તું લખી નાખો ને ! જમાઈ ચાર દિ' મોડો આવે તો ક્યાં વેગડી વિયાઈ જાતી'તી ! કાગળ તો ચચ્ચાર દા'ડે ચાલુ જ છે ને !"

મંદિર જેમ ફૂલો અને ધૂપની ફોરમથી પરખાય, અને પીરનો તકિયો જેમ પા માઈલ પરથી લોબાનની સુગંધે ધ્રમકે, તેવી જ રીતે શેરીના એક છેડાથી બીજા છેડા સુધી કેવળ ગંધ પરથી જ કળી જવાય કે ઓઘડ માસ્તરનું ઘર સુવાવડું છે. ચાર વાર શેકાતો શીરો, મંછાના ખાટલા નીચે પથરાતો બે વખતનો બકરાંની લીંડીઓનાં છાણાંનો ધીકતો શેક અને એ શેકની બાફમાં બફાતાં એ સુવાવડાં ગોદડાંના ગાભા: ત્રણેયમાંથી કોઈ જુગજુગના જૂના જાણે યજ્ઞ-હોમની એક અનિર્વચનીય વાસ ફોરે છે. મકાનના એ ઓરડાએ અને ખાટલા પરના ગાભાએ આવીઆવી તો મંછાની બાની બાર સુવાવડો માણી છે, આશરે ૩૬૦ શેકના ધુમાડા લીધા છે; અને બે સુવાવડો વચ્ચેના ગાળામાં ત્યાં હંમેશાં ઘાસ તથા છાણાંના સંઘરા રહ્યા છે.

મંછાની આ પહેલી - અઘરણીની જ -સુવાવડ હતી, 'કંદોરાબંધ દીકરો' તાવવેલી મંછાની ગોદમાં પડ્યો પડ્યો ધાવણ વગરના સ્તન ચૂસતો હતો. મંછાનાં માવતરે મંછાને કરિયાવર કરેલો, તેના ચાર ટ્રંક ભરાયા હતા. હજારેક રૂપિયાનું તો ઘરેણું આપેલું, લગ્ન વખતે એક ન્યાત જમાડેલી, ને પુત્રનું લગ્ન પણ એક ખેતર વેચીને ઊજવેલું; પરંતુ આ કંદોરાબંધ' ભાણેજના ફૂલ-દેહ સારુ કે તાવમાં ભૂંજાતી દીકરી સારું ગોદડું નહોતું અભડાવી શકાયું.

"ઓહોહો ! આ શું ? ગોટેગોટ ધુમાડે ઓરડો ભરાઈ ગયો છે. આ ખાટલા નીચે આવો ચિતા જેવો ભાઠો શો ! મંછા ! મંછા !"

એમ બોલતો એક જુવાન સ્ટેશનેથી આવીને છેક સુવાવડીના ખાટલા પર બેસી ગયો છે, આંખો ચોળતો ને ગૂંગળાતો ચારે મેર જોઈ બૂમો પાડે છે, અને સુવાવડી સ્ત્રીને કપાળે હાથ ફેરવીને બોલાવે છે કે, "મંછી ! મારી મંછી ! ઓ મંછી !"