પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભરપૂર સૂસવતો પ્રાણવાયુ, કોઈ કંજૂસની માફક, એના ગળામાં પેસતો નથી. એ બોલી શકે છે માત્ર આટલું જ કે, "મારાં છોકરાં ! મારી પોટી ધાવવા...સારુ... વલવલતી હશે ! અંહ ! અંહ ! અંહ !"

બીજું સ્ટેશન આવે છે. વગર-ટિકિટે એક બાવો ચડે છે. પોતાની છલોછલ ભરેલી ઝોળી, ગંધાતી ગોદડી, સર્પાકાર લાકડી, માળાના લૂરખા, ભિક્ષાનું ખપ્પર વગેરે સરંજામ પાથરીને બાવોજી એ બાઈના બાંકડા પર પથારો કરે છે. રેલગાડીના સાંધાવાળાના એ 'ગરુ મા'રાજ' છે. બેસતાંની વાર જ "બચ્ચા ! મારી ચલમ-સાફી ક્યાં ?" કહી ચલમ માગે છે; "ગરુ દત્ત !" બોલતો ઝોળીમાંથી ગાંજાની ચપટી કાઢી ચલમનો સાજ સજે છે. ગાંજામાં ડૂલ બનેલી એની આંખો, અને આંખો ફરતાં કાળાં કૂંડાળાંથી કદરૂપ બનેલું એનું મોઢું. એની જિંદગીની હેવાનિયતની સાખ પૂરે છે; એના સર્જનાહારને શરમિંદો બનાવે છે.

ચકચકિત, ઘડીદાર પોશાકવાળાં બીજાં ઉતારુઓ ચડે છે, અને, બાવાજીના પવિત્ર પથારાને અડક્યા વિના, એ ગાંડી જેવી લાગતી બાઈને જ ઓસીકે બેઠક લે છે. પુરુષ અને સ્ત્રી વધુ ને વધુ સંકોડાતાં જાય છે. પુરુષના લીરા-લીરા થઈ ગયેલ કેડિયાની કસે બે પીળી ટિકિટો બાંધેલી છે. બાવાજીને તો ટિકિટ લેવાની શી જરૂર હોય ! 'રામજી કી ગાડી' હતી.

ગાડી ત્રીજે સ્ટેશને ઊભી રહી. પાછલે બારણેથી એક ફકીર એનાં બેથી માંડી પંદર વરસ સુધીનાં પાંચ બચ્ચાંને લઈ ઓરત સાથે ચડે છે. વચેટ છોકરાના મોંમાં એ ધમાચકડ વચ્ચે પણ બીડી ઝગે છે. ગાંસડાં-પોટલાંની ફેંકાફેંક ચાલે છે.

આ ધકાધકીએ ડબ્બાના એક મહત્ત્વના મુસાફરની તલ્લીનતાને ઉડાડી દીધી. હાથમાં જગતનાં પીડિતોની ચીસો પાડતું 'ઈન્સાફનો આર્તનાદ' નામનું પુસ્તક હતું, તે એના હાથમાં જ થંભી રહ્યું. ભીડાભીડથી અકળાઈને પછી નિરૂપાયે, વખત કાઢવા માટે, એણે પેલા બોખલા મરદને પોતાની પડખે બેસારીને પૂછયું: "આ તમારું માણસ છે ? ગાંડી છે ? કશો વળગાડ ?"