પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મારી શાંતાનું મા-માટલું હું ધર્મશાળામાં ઉતારવા તૈયાર નથી."

"મારું ઘર એટલે - "

"- એટલે ધર્મશાળાઃ ભનુનું સ્વતંત્ર ઘર નહિ."

" તો પછી મને કશી પરવા નથી. મારા ભાણેજને માટે ડઝન એક શ્રીફળો હું ગજવામાં લઇને જ ફરું છું."

એવી ટપાટપી બોલી ગઇ. વેવિશાળ તૂટ્યું. એનો કડાકો સાંભળીને ભનાભાઇ મામાને ગૃહે જવા પાછા વળ્યા.

[4]

પોતાથી નીચલી પાયરીની કન્યા જ લેવી જોઇએ, અને સાળા મુંબઇગરાઓની પુત્રીઓ કોઇ પણ જુવાને ન સ્વિકારવી, એવું પ્રચાર-કામ જોશભેર ઉપાડવા એને મન થયું. એના ઘવાયેલા અંતઃકરણમાં એક જ વાતની રૂઝ વળતી હતી કે, હવે હું, વિના વાંકે તજેલી બાપડી લલિતાનો હાથ ગ્રહીને એની વિધવા માતાની રક્ષા કરીશ.

લલિતાનું સ્મરણ થતાં જ એના હૃદય-પટ પર જૂનાં સંભારણાંની રેખા ફૂટવા લાગીઃ જૂનાગઢ કૉલેજમાં પોતે ભણતો ત્યારે લલિતાને તથા એની બાને લઇ પોતે ગિરનાર પર ચડ્યો હતો. સાસુને આગળ નીકળી જવા દઇને પછી બંને જણાં આંકડા ભીડીને બબ્બે પગથિયાંની છલાંગો મારતાં ચડ્યાં હતાં. લલિતાની ઓઢણી ખભા પર ઢળી પડીને અંબોડામાંથી છટકેલી લટો ગિરનારની વાદળીઓ જેવી ફરર-ફરર થતી હતી. પોતે 'શકુન્તલ'ના તાજા મોંએ કરેલા પ્રેમ-શ્લોકો બોલતો હતો, અને વણસમજ્યે પણ લલિતા હૃદયનાથની વિદ્વતા પર વારી જતી દેખાતી હતી. અને પોતે કૉલેજ જોવા લઇ ગયેલો ત્યારે એની સામે હસી પડનાર વિદ્યાર્થીઓને "હસો છો શું જોઇને !" એવી ધમકી લલિતાની નજરોનજર સંભળાવી હતી. એવો જે હું, તેનું મૂંગું આરાધન કરતી લલિતા મારે માટે ઝૂરતી બેઠી હશે. બીજા સાથે પરણવું એને ગમ્યું જ નહિ હોય.એક વાર મને દિલ આપ્યા પછી બીજાની સ્ત્રી થતાં એ બાપડીને જુગના જુગ જાય. સારું થયું કે હું છૂટો થયો. લલિતાની પ્રાર્થના સાંભળીને જ પ્રભુએ મારી આવી દશા