પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભૂકી - એ ત્રણ ભેગાં થાય છે એટલે માંડવે માંડવે 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં' એ શબ્દો શોભી ઊઠે છે."

"ઓહો !" મને આમાં સાહિત્યનો વિષય જણાયો. હું એક નિષ્ફળ બૅરિસ્ટર ખરો ને, એટલે સાહિત્યકારનું ટટ્ટુ પણ સાથોસાથ ચડવા તૈયાર રાખતો.

"હા,ભાઇ !" ઘૂઘા ગોરે ખાતરી આપીઃ "હમણાં જ એક ગામમાં પરણાવી આવ્યો. કન્યાદાનનો સંકલ્પ કરાવવા બેઠો તે જ વખતે કન્યાની માએ માગ્યું: 'મારું શું ?' કોઇ વાતે એનું 'મારું શું' ચૂપ ન થયું. વરના પિતાએ આવીને 'હેં-હેં-હેં' દાંત કાઢતે કાઢતે સો-સો રૂપિયાની પાંચ નોટો વેવાણના હાથમાં સેરવી, ને એ પાંચેયને કાપડાની ગજવીમાં પધરાવીને પછી વેવાણે કન્યાદાન દીધું. પાછળથી હું જ્યારે વરના બાપને મળ્યો ત્યારે એણે ફક્ત એટલું જ કહ્યું કે, 'ગોર ! આ અમારી પાંચ ભાઇયુંની કમાણી એક છોકરો પરણાવવામાં સાફ થઇ ગઇ છે'. લ્યો, ભાઇઃ ઇ માંડવે પણ મેં 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં'નું પાટિયું વાંચ્યું હતું."

"બીજો ફેરફાર?" મેં પૂછ્યું.

"બીજું, વરરાજાનો પોષાક હવે મહાન પરિવર્તન પામ્યો છે. સુરવાળ, અચકન અને માથે ધોળી ટોપી - નખશિખ ખાદીના પોષાકની લખનવી ટેડાઇ હવે આવી છે. તેમ વરરાજાઓનાં શરીરોએ પણ મહાન પલટો લીધો છેઃ મુખ ઉપર વ્યસનોને રમતાં જોઇ શકાય."

"બસ, બીજો કોઇ ફેરફાર નહિ ?"

"ના, આર્યત્વના અસલી પાયા મોજૂદ છેઃ ઉપર નકસીકામ જ બદલતું રહ્યું છે. ને જ્યારે જ્યારે મેં મોંને એક ખૂણે સળગતી બીડી રાખીને મારી 'સપ્તપદી'ની ચર્ચા ઉપાડતા, વાતો પૂછતા વરરાજા જોયા છે, ત્યારે મને એવી કલ્પના થઇ છે કે કેમ જાણે તેઓ જવતલ-હોમના અગ્નિને પોતાના મુખમાં જ ફેરવી રહ્યા હોય !"

ઘૂઘા ગોરની કહેણી એકધારી અને અણઉતાવળી હતી. એનો અવાજ ઊંચો-નીચો કે તીવ્ર-કોમળ ન બનતો. એ અવાજ પણ અપરિવર્નશીલ રહેતો.