પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તું ગભરા નહિ: બી નહિ."

"દેવી! તારે બહુ રાહ જોવી પડી, ખરું?" એવો અવાજ દેતા દાક્તર કમાનની બાજુથી ચાલ્યા આવ્યા. હજુ એણે મુસાફરને દીઠો નહોતો. જલદેવી દોડીને દાક્તરને બાઝી પડી: "ઓ દાક્તર! મને આનાથી બચાવો!"

એણે આંગળી ચીંધાડી. મુસાફરની આકૃતિ અચલ ઊભી હતી. "કોનાથી? આનાથી?... કોણ છો તમે? શા માટે મારા બાગમાં દાખલ થયા છો?"

મુસાફરે જલદેવીની સામે આંગળી કરીને કહ્યું: "હું તો એમની સાથે વાત કરવા માગું છું."

"મારી સ્ત્રી સાથે શી વાતો કરવી છે તમારે?... તું એને ઓળખે છે, જલદેવી?"

"દાક્તર! એ પોતે જ પેલો - મેં કહ્યું હતું તે - મનુષ્ય છે."

"હાં હાં, પણ તમારે મારી પત્નીની સાથે શી નિસ્બત છે હવે? તમે જાણો છો ને, કે વર્ષોથી એ મને પરણી ચૂકી છે?"

"હા, મેં એ ત્રણ વર્ષ પર જ જાણ્યું."

"તમે શી રીતે જાણ્યું?" જલદેવીથી વચ્ચે પુછાઈ ગયું.

"જહાજમાં જૂનાં છાપાં વાંચતાં તમારા એ લગ્નની વાત જાણી."

"લગ્ન! હા, લગ્ન!" જલદેવીથી બોલી જવાયું.

"દરિયાપરી!" પ્રવાસીએ દાક્તરના અસ્તિત્વની પરવા કર્યા વિના જલદેવીને સંબોધન કર્યું: "મને અજબ લાગેલું. હું તાજુબ થયેલો; કેમકે પેલી બે વીંટીઓ - દરિયાપરી! એ પણ શું લગ્ન નહોતું!"

"ઓહ!" જલદેવીએ ચહેરો ઢાંક્યો.

"આટલી ધૃષ્ટતા કરનાર કોણ છે તું?" દાક્તરની આંખો લાલ બની. પણ પ્રવાસીએ એના તરફ નજર ન કરતાં જલદેવીને જ પૂછ્યું: "એ તું ભૂલી ગઈ શું?"

દાક્તરથી ન રહેવાયું. એણે પ્રવાસીની નજીક જઈ ઉગ્રતાથી કહ્યું: "તારે જે વાત કરવી હોય તે મારી સાથે કરવાની છે. બોલ, શા સારુ તું