પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા તમામ વિચારોને, મારી આકાંક્ષાઓને, મારી વેદનાઓને - તમે નહિ બાંધી શકો. એ બધાં તો ધસી રહ્યાં છે એક અગમ દુનિયામાં, કે જે દુનિયામાં જીવવા મારું નિર્માણ હતું, ને જે દુનિયામાંથી તમે મને રોકીને અહીં કેદ પૂરી છે."

"જલદેવી!" દાક્તરનાં કડકાઈ અને રોષ નીતરી ગયાં. એ દીન વદને બોલ્યો: "દેવી! હું તને મારી પાસેથી ધીરે ધીરે સરી જતી જોઉં છું. એ અકળ, અગમ, અસીમ અને અપ્રાપ્ય સંસારની ઝંખના તને આખરે ઘોર અંધારી કો રાત્રિમાં ઉતારી દેશે."

"હું પણ એ સમજું છું. એ કાળપંખીની કાળી, નિઃસ્તબ્ધ પાંખો મારા ઉપર ફફડી રહી છે."

"હું તને ઉગારી શકું તેમ નથી. બચવાની બારી રહી નથી, એટલે હવે છેવટે હું આપણા બંધો છોડી નાખું છું: તને મોકળી કરું છું. હવે તું સંપૂર્ણ સ્વતંત્રતાથી પસંદગી કરી શકશે."

"સાચોસાચ!" જલદેવીએ થંભી જઈને પૂછ્યું: "શું તમે સાચોસાચ કહો છો? ખરા અંતરથી કહો છો?"

"હા હા, ચિરાતા અંતરના ઊંડામાં ઊંડા ખૂણામાંથી ચીસ પાડીને કહું છું, કે તું બંધનમુક્ત છે."

"સાચે જ, દાક્તર! સાચોસાચ તમે મને મુક્ત થવા દેશો? મને ચાહે ત્યાં જવા દેશો?"

"હા, કારણ કે હું તને પ્રાણતુલ્ય ચાહું છું."

"હું તમારા અંતરની આટલી બધી નજીક આવી ગઈ, એમ? તમે મને હ્રદયની છેક ગોદમાં લઈ લીધી?"

"આટલાં વર્ષો સાથે રહ્યાં તેને લીધે."

"ને હું શું આ વાત સમજી ન શકી?"

"કારણ કે તારું દિલ બીજે દોડી રહ્યું હતું. ને હવે તો તું મારાથી - મારાં સ્વજનોથી - સહુથી સંપૂર્ણ સ્વતંત્ર છે, દેવી! તું સુખેથી મુક્ત