પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનથી પસંદગી કરી લે. તારી પાંખો જ્યાં લઈ જાય ત્યાં ઊડી જા. તારી સ્વતંત્રતા અને તારી જવાબદારી પર તું નિર્ણય કરજે."

"મારી સ્વતંત્રતા અને મારી જવાબદારી!"

જલદેવીની મનોદશામાં આ સ્વતંત્રતાની નવપ્રાપ્તિથી નવો પલટો આવ્યો. નવા અવતારની લહરી વાઈ ગઈ. જે દીવાલો વટાવીને એ મૂંઝાયેલો પ્રાણ મહાસાગરે ઊડી જવા માગતો હતો, તે દીવાલો અદૃશ્ય બની. પંખીનું પિંજર તૂટી ગયું. આસપાસ જીવનની નિઃસીમ વિશાલતા દીઠી. એનો આત્મા બોલી ઊઠ્યો: "દાક્તર! વહાલા! બધું જાણે બદલી જાય છે."

જહાજની ઝાલર ફરીવાર ગુંજી ઊઠી. ભૂરા વાળ અને વાદળી આંખોવાળો વિદેશી અનિમેષ નેત્રે ઊભો હતો. તેણે કહ્યું: "દરિયાપરી, સાંભળો છો? છેલ્લો ઘંટ વાગી ચૂક્યો. ચાલો!"

એરણ પર હથોડો પડે એવી મક્કમ વાણી કાઢીને જલદેવી એ વિદેશી પ્રિયતમની સામે સ્થિર દૃષ્ટિએ બોલી: "આ બધી વાત પછી તો હું કદી તમારી સાથે નહિ આવું."

"નહિ આવો?"

"ના, ના..." કહેતી જલદેવી દાક્તરને બાઝી પડી. "હું તમારાથી અળગી નહિ થાઉં. હવે શા સારુ જાઉં?"

દાક્તર ચકિત બની ગયા. "જલદેવી! દેવી!"

વિદેશીએ છેલ્લી વાર પૂછી જોયું: "બસ, બધું ખતમ થઈ ગયું ને હવે તો?"

"બસ, બધું જ ખતમ -"

"હાં, સમજ્યો: મારી ઇચ્છાના બળ કરતાં વધુ બળવાન કોઈક તત્ત્વ અહીં લાગે છે."

"તમારી ઇચ્છાનો હવે મારા મન પર છાયામાત્ર પણ કાબૂ નથી રહ્યો. તમે મારા મનથી કે'દાડાના મૂએલા માનવી સમાન છો. એ મૂએલનું પ્રેત જાણે કે સમુદ્રેથી ઘેર આવેલું તે આજે પાછું ચાલ્યું જાય છે. હવે મને