પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાટુ કરતાં પણ એનાં આજ સવારનાં વહાલભીનાં વચનો ગંગાને વધારે આકરાં લાગ્યાં હતાં. ધણી એના છૂપા દુ:ખમાં ભાગ લઈ શકે તેમ નહોતું. એથી અધિક વેદનાની વાત તો એ હતી કે ગમાર ધણીઓને સ્ત્રીઓના જીવતરની આ જુગ-જુગની જૂની આપદાઓમાં ગતાગમ પણ નહોતી પડતી.

દિવસ આથમતો હતો. શેરીનાં ખોરડાં ધુમાડે લપેટાઈ રહ્યાં હતાં. માળાની શોધાશોધમાં પંખી ચીસાચીસ કરતાં હતાં એ વખતે મરેલા મનુષ્યના ગેબી ઓછાયા જેવી ગંગા લોટો ભરીને નીકળી પડી. શહેરને આથમણે છેડે ઉઘાડા મેદાનમાં, ગટરોના કીચડથી થોડે દૂર, વાઘરીઓના કૂબાનું ઝૂમખું હતું. તેની અંદર ગંગા દાખલ થઈ. કલાક એક ત્યાં થોભ્યા પછી પાછી ત્રવાડીને ખાંચે પેસી ગઈ. ગુપ્ત વેદના ઠાલવવાનું અને ઈલાજ મેળવવાનું ઠેકાણું બ્રાહ્મણની દીકરીને શું વાઘરીવાડે જડ્યું હશે?

થોડે દિવસે મોડી રાતે ખાંચાના લોક એકાએક જાગી ઊઠ્યાં. એ ચીસો રાજારામને ખોરડેથી જ સાંભળાતી હતી. ગર્ભાશયમાં વીંટ્ય આવતાં જે ચીસ સ્ત્રી-જીવનની તમામ સમતાનાં પડોને ચીરીને બહાર નીકળી પડે છે - અને છતાં સ્ત્રી-હ્રદયનો નિકટનો સાથી સગો સ્વામી પણ જેને કદાપિ નથી સાંભળી શકતો, નથી સમજી શકતો, નથી સ્મરણમાં રાખી શકતો તે માયલી આ એક ચીસ હતી. સંગીતના સ્વરો સામે કસ્તુરીમૃગના કાન જે તલ્લીનતાથી મંડાય છે, તેવી તલ્લીનતાથી - કેમકે પારકાંની બદબોઈમાં બજી રહેલું સંગીત સર્વથી વધુ મિષ્ટ હોય છે - રાજારામની ખડકીની ચિરાડે ખાંચાના બૈરાંના દસ-વીસ કાન લાગી ગયા છે. અંદર જાણે કે ચીસો દેતી ગંગાનું માથું ઝાલી ઝનૂનથી આમતેમ ઢંઢોળતો રાજારામ ભયંકર અવાહે પૂછતો હતો કે -

"રંડા ! આ શું કર્યું તે ! બોલ -નીકર ગળું ચૂસી જાઉં છું."

ગંગા ગોટા વાળતી જીભે કહેતી હતી કે. "એ... એ... એ... ! હું શું કરું ? ત્રણ મહિનાથી હું નહાઈ નહોતી."

"નહાઈ નહોતી !" રાજારામને ગમ પડી નહિ. એ બે શબ્દોની