પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક દિવસ કુદરતે જ એનો અવાજ સાંભળ્યો: રાજપલટાનો એક એવો કડાકો બોલ્યો કે પ્રવીણના હાથમાં કાગળના કટકા જ રહ્યા; માયા હતી તે ગેબમાં ચાલી ગઈ.

પ્રવીણે રાજી થઈને એ કાગળીયાના લાલ-લીલા રૂપાળા કટકા બંગલાનાં બારણા ઉપર ચોંટાડીને શોભા કરી. પેટમાં ઉકળાટ થયો, તે છાલિયું છાશ પીને શાંત પાડ્યો.

પણ પ્રવીણે તમામ માયા કાગળિયામાં નહોતી રોકી: સોનાની લગડીઓએ રાજ-પલટાના વાયરા ન ઉપાડી જઈ શક્યા. એક દિવસ સાંજ પછી અંધારું ઊતર્યાં પછી લગડીનું એક પરબીડિયું વાળી, બગલમાં દબાવી પ્રવીણ બહાર નીકળ્યો. તે દિવસવાળાં જ ડોસો-ડોસી ડગુમગુ ઘેરે જતાં હતાં, તેની પાછળ-પાછળ લપાઈને પોતે પણ ચાલ્યો. રસ્તે તો એકબીજાને ખભે હાથ રાખીને બુઢ્ઢાં ધીરે સ્વરે વાતો કરતાં હતાં:

"આજ તો રોટલો ભાવે એવું રહ્યું નથી. કૂરજીની ગા તરફડી-તરફડીને મૂઈ, એ નજરે દીઠા પછી ધાન ગળા હેઠે નહિ ઊતરે."

"કાલ આપણે સીમાડે સંધી ગાયનું ધણ હાંકી નીકળેલો. પચાસેય ગાયું શીતળામાં ગેગી ગઈ. રૂંવે-રૂંવે માતાના દાણા પરોવાઈ ગયા'તા. કાળી લૂ વાતી'તી. ન મળે ઝાડવાની છાંયડી, પાણીની બહોળપ. આંહીં પાદરમાં કોઇએ ઊભાં રે'વા દીધાં નહિ. સાંજ પડ્યે પચાસ દૂઝણી ગાયું સીમાડે ઢળી પડી. મોરલા જેવી વાછડિયું ભાંભરડા દિયે છે."

"અને સંધીનું ફટકી ગયું - કે' છે."

"હા. સંધીની ડાગળી તો સાવ ખસી ગઈ છે. બીજું કાંઈ નથી કરતો; પણ તાંબડી અને નોંઝણું લઈને ઊભો રે' છે: જાણે ગાયોને દો'વી હોય ને, એમ વાંભ ઉપર વાંભ કરી કરી, નામ દઈ દઈ બોલાવે છે: ને પછી બેસી, ગોઠણ વચ્ચે તાંબડી દબાવીને કેમ જાણે દો'તો હોય, એમ હાથના ચાળા કરતો કરતો ગાય છે. સામે જ ગાયુંને તો સમળાઓ ને ગીધડાં ઠોલી રહેલ છે."

"અરેરે ઠાકર ! શો કોપ છે !"