પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કોપ તો કાંઈ ન કે'વાય. શીતળાના રોગ કાંઈ ન મટે એવું થોડું છે ? પણ જ્યાં માણસુની દવાએ કોઈ પોગતું નથી, ત્યાં પશુનાં દવાદારૂ કરવાની કોને પડી છે ?"

"હા, રાજ તો જીવતાં-મૂવાં તમામ ઢોરની પાન-ચરાઈ મેલાવે છે. વાછરુ પેટમાં હોય એનીયે ચરાઈ છોડતાં નથી. નથી મૂવાંના ચામડાંની ભામ લેવાનું ભૂલતાં. પણ દવાદારૂ થોડાં કરે છે !"

"મા'જનનેય એવું સૂઝતું નથી."

"મા'જનની તો પોતાની પાંજરાપોળું જ મડદાંથી ઊભરાય છે ને રોજરોજ !"

"અહોહો ઠાકર ! દયાવંતો ને દાનેશ્વરીઓ દેરાં-દેવલાંમાંથી નવરાં થાતાં નથી. નત્ય-નત્ય કાંઈ ઓછાં કેસર-ચંદણ ઘસાય છે ! કાંઈ થોડી રસોયું રધાય છે ! કે' છે કે મુંબઈમાં મૂરખ્યાં હવેલીએ ગાયુંને જલેબી-લાડવા ખવરાવે છે !"

"હેં-હેં-હેં-હેં..." ડોસો દુઃખની દાઝમાં હસી પડ્યો.

ત્યાં તો ખોરડું આવી ગયું. ખડકીથી માંડીને માયલી કોરના ઓરડા સુધી હાથ ફેરવી-ફેરવીને બેઉ જણાં અંદર પહોંચ્યાં. અંધારે-અંધારે પાણી પીધું. બેઠાં.

ડોસો બોલ્યો:" ઠાકરે આખ્યું લઈ લીધી... અરજણ ને જાદવ જેવા દીકરાય ખેંચી લીધા... પણ આ હાથને એવા સજીવન રાખ્યા છે, કે જાણે ચાર દીકરા: બે મારા ને બે તમારા !"

"અરેરે !" ડોશીએ કહ્યું: "સંજ્યા ટાણે અરજણ ને જાદવ ક્યાંથી સાંભર્યાં વળી તમને ? રાત આખી નીંદર નહિ આવે. નજર સામે તરવર્યાં કરશે."

"ના. એમ નહિ; પણ આ તો બેમાંથી એક બેઠો હોત ને, તો એને આપણે પરવીણચંદરભાઈની પાસે મોકલત."

"શા સાટુ ? આપણે શી ભીખ માગવી છે વળી ?"

"ના, ના; તમે મૂંઝાવ મા. આપણે એની એક રાતી પાઈયે ન ખપે.