પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. એનો તો અમને સગપણ વખતે કોઇએ ફોડ જ ન પાડ્યો.' આવું કંઇક હસવામાંય કહેવાઇ જાય, તો પણ દડ દડ દડ આંસુડાં પાડે, ને આંખ્યું ઘોલર મરચાં જેવી થઇ જાય. બોલે તો નહિ, પણ મનમાં બળીબળીને ભસમ !"

મહેમાન ત્યાંથી નાસવા માગતો હતો; પણ એના પગને જાણે કોઇ શબ ઝાલી રાખતું હતું, ને કહેતું હતું કે, 'મારી પૂરેપૂરી કથા સાંભળતા જાઓ.'

કિશોરની બાએ ફરીવાર વાર્તાનો તાર સાંધ્યોઃ "અને પાછી ઘરમાં થયેલી અક્ષરેઅક્ષર વાતની ફરિયાદ રોજ રાતે મેડીએ જઇને કિશોરને કહેવા બેસે. કિશોર બચાડો દુકાનેથી થાક્યોપાક્યો આવ્યો હોય, એનેય જંપ નહિ. મારો કિશોર તો માવતરની ને કુળની મોટાઇની પાકી અદબ રાખનારો, અસ્ત્રી-ચળિતર સમજનારો, ડાહ્યો- એટલે આવી બાઇડીશાઈ વાતુંને કાન દિયે જ નહિ. પછી તો ધુશકે-ધ્રુશકે રોવાનું હાલે, ઇસ્ટોલિયા ઊપડે; ઘર આખાને ઝંપવા ન દિયે. એક વાર તો તમારા વેવાઇ પંડ્યે ઊઠીને રાતે બાર બજે બહાર આવ્યા; ત્રાડ નાખી કે, 'વહુને ન પોસાય તો કાલ સવારે કઢાવી દ્યો ખિજડિયા જંક્શનનની ટિકિટ: જાય બાબરે. આંહીં તે શું કોળી-વાઘરીનું ઘર છે ! જરા ખોરડું તો ઓળખો !"

"અરર ! એટલે સુધી મારી દીકરી -" માસ્તરના મોંમાંથી ઉદગાર સરી પડ્યો.

"દીકરીની તો શી વાત ! સસરો સાંભળે એમ ચીસું નાખે કે, 'એ.. મને કૂવામાં ભંડારો ! એ... મને અફીણ આપો ! મારે ક્યાંય નથી જાવું. મને બાપ ઊભી નહિ રાખે !' એમાંથી તાવ ચડ્યો, ઠસકું વધ્યું. દવા તો કરાય તેટલી કરી, પણ આવરદા નૈ ને !"

મરેલી પૂત્રી પર 'કોરોનર' અને 'જ્યુરી' બેઉની મળીને સરજેલી એક માનવ-શક્તિ વિગતવાર ફેંસલો આપતી હતી; અને એ સાંભળીને બાબરા ગામની 'એંગ્લો-વર્નાક્યૂલર' શાળાના આસિસ્ટંટ માસ્તર ઘડી લજ્જા, ઘડી ગુસ્સો ને ઘડી પાછો વાત્સલ્યનો કોમળ આંચકો અનુભવી