પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહ્યા હતા. વળી પાછો એની નજર સામે મરેલી, મા-વિહોણી, તાવલેલી દીકરીનો દેહ તરવરતો હોય તેમ એણે કહ્યું:

"વેવાણ ! મને વેળાસર ખબર આપ્યા હોત તો હું એને પંચગની લઇ જાત. તમારે પ્રતાપે મેંય મારા ટૂંકા પગારમાંથી પૂણી-પૂણી બચાવીને બસો રૂપિયાની મૂડી કરી છે; એટલે હું ચંદનને પંચગની -"

'અરે, તમે શું લઇ જાતા'તા ! મેં ને તમારા વેવાઇએ કેટલું કેટલું કહ્યું કે, 'હાલો પંચગની... હાલો ધરમપુરના સેનિટોલમમાં... કોઇ વાતે હાલો... હું હારે આવું'. પણ માડી રે ! એની તો એક જ હઠ - કે કિશોર એકલો જ સાથે આવે, અમે કોઇ નૈ ! અમે તો એને કડવાં ઝેર ! ત્યારે કિશોર તે જીન-પ્રેસનું કામ સંભાળે, કે રૂ-કપાસની ખરી મોસમ ટાણે બાયડી સાટુ ઠેઠ પંચગની સુધી હડિયું કાઢે ! પણ વહુને તો બચારીને મરવું સરજ્યું'તું ખરૂં ને, એટલે સાચી વાત સૂઝી નહિ. એની તો એક જ હઠ કે 'પંચગની નૈ, ધરમપુર નૈ, ક્યાંય નૈ; જીનને જ બંગલે મને એકલીને કિશોર ભેળા રે'વા દ્યો ! તમે કોઇ નૈ !' અરે, એનો હાકમ જેવો સસરોય એને કડવા ઝેર થઇ પડ્યા !"

દીકરી શું આટલી બધી નાદાન થઇ હશે ? પુત્રીનો પિતા ગામડિયાં છોકરાં ભણાવતો ભણાવતો કોઇકોઇ વાર નાની ચંદનને બોટાદકરની 'રાસતરંગિણી' વાંચી સંભળાવતો, અને કોઇ કોઇ વાર રાતે પરીક્ષા-પત્રો તપાસતો-તપાસતો તેર વર્ષની ચંદનને અંદરના ઓરડામાં બાપની પથારી પાથરતી 'રસની એ રેલ, સખિ, સાંભરે રૂપાળી રાત'-વાળી પંક્તિ કોમળ કંઠે ગાતી સાંભળતો - તે બધું અત્યારે વીસરી ગયો. છેવટે વેવાણના આ એકાદ કલાકના ઉદગારોમાંથી બે-ચાર વસ્તુઓ પકડીને બાબરે ચાલ્યો ગયોઃ એક તો, ચંદન હઠીલી; બીજું, એનું આયખું નહિ; ત્રીજું, કિશોરને એણે સંતાપ્યો, મોતીશાની મર્યાદા ન પાળી, સાસુની શિખામણો ન લીધી; ને ચોથું, મોતીશા શેઠે ચંદનનું મોત સુધાર્યું. આ બધી અસરથી એને પ્યારી પુત્રીના અવસાનનો શોક ઓછો થયો. ઘડીભર એમ પણ થયું કે, મોટા ઘર સાથેનો મારો સંબંધ વધુ બગાડવા એ ન જીવી તે પણ સવળું જ થયું.