પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


કલાધરી

"આજે ન જા તો?"

પુરુષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઇ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઇ પણ કવિની કલમને એક ડઝન ઊર્મિગીતો ઠાલવી નાખવાની પ્રેરણા આપી હોત.

"ભલે;" એવી ઊંડી દુભામણથી ભરેલો, ટૂંકો જવાબ આપીને તનુમતી ચૂપ રહી.

પુરુષોત્તમદાસના ચાલ્યા જવા પછી કેટલીક વેળા તનુમતી રસોડાની પાળ ઉપર બેઠી રહી. તાજાં સ્નાન પછી વીખરાતા મૂકેલા એના વાળની લટો એની પીઠ તથા છાતી પર આષાઢી મેહના દોરિયા જેવી છવાઈ રહી.

આંસુનાં બિન્દુઓ રસોડાની લાદી પર ટપકેલાં નિહાળી નિહાળીને છેવટે જયારે એણે ઊંચે જોયું ત્યારે એણે મોં મલકાવીને મીઠો ચમકાટ દાખવ્યો: કોઈક ઊભું હતું.

"ક્યારના આવ્યા છો?" તનુમતીએ પૂછ્યું.

"પાંચેક મિનિટ થઈ હશે." બારણામાં ઊભેલા કુમારભાઈએ પોતાના સ્વરમાં બની શકે તેટલી મીઠાશ મૂકી: "તમે આટલાં બધાં તન્મય શામાં હતાં? કંઈ બન્યું છે?"

"બનવાનું શું નવું હતું? જીવશું ત્યાં સુધી બન્યા જ કરશે એ તો." કહેતાં કહેતાં આંસુની નવી વેલ નયનોમાં ઝલકી ઊઠી. કુમારભાઈએ પણ નયનો સજળ કરીને કહ્યું: "તનુમતીબહેન ! તમારા દુ:ખમાંથી હું તો કલાની કારુણ્યભરી મૂર્તિ નિપજાવીશ."