પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'તમને ગમે તેમ કરો' એક વાક્ય પોતાને ખટકવા લાગ્યું : આવા પતિને ઉદાર બનવાનો શો હક છે ? એ કેવી કદરૂપી ઉદારતા છે ! કેમ જાણે એ મમતાની સખાવત કરતો હોય ! મને ગમે તેવું કરવાની મંજૂરી આપવાનો આવા પુરુષને શા માટે હક મળ્યો ?

વળતા જ દિવસથી નિયમિત 'રિહર્સલ' શરૂ થઈ ગઈ. વહેલી રસોઈ ઢાંકી રાખી એ ચાલી જતી. ધણી પોતાને ટાણે આવીને પોતાની મેળે જમી લેતો.

રિહર્સલ સંધ્યાકાળ સુધી ચાલતી. બે-ત્રણ વાર અસૂર થઈ જતાં પતિ એને તેડી લાવવા ગાડી કરીને ગયો હતો. પાછાં વળતી વેળા વાટમાં તનુમતી રિસાયેલી રહેતી.

નાટકના દિવસે તનુમતી જ્યારે જવા નીકળી ત્યારે પતિએ પૂછ્યું : "મારા માટે ટિકિટ લીધી છે ને ? પાંચ રૂપિયાની લીધી છે ને ? મારે નજીકમાં બેસીને જોવું છે."

"ના, મેં નથી લીધી તમારી ટિકિટ."

"કંઈ નહિ. સાંજે મળશે તો ખરી ને? અમે દસ-બાર જણા આવીશું. બીજા ભાઈઓને પણ તમારું કામ જોવાનું ખૂબ દિલ છે. હું આવીને જ ટિકિટો લઈ લઈશ. તું તારે જા."

તનુમતી થોડીવાર થંભી. પછી તેને પતિને કહ્યું: "એક વાત કહું ?"

"કહે ને!"

"તમે નાટકમાં ન આવશો..."

"કેમ?"

"તમને દેખીશ તો હું મારો પાઠ ભૂલી જઈશ. મારાથી પાઠ થઈ જ નહિ શકે."

પછી એ ક્યારે ગઈ તેનું ભાન પુરુષોત્તમને નહોતું રહ્યું. દુકાન તરફ એ ચાલ્યો ત્યારે મોટરની હડફેટે આવતો બચી ગયો.

સાંજે પ્રદીપો ચેતાયા ત્યારે-

કુમારભાઈની રંગ-પીંછી થકી કંડારેલા વાંકાં કાળાં ભમ્મરોએ