પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોક દે'ન પાડવા આવેલા."

"ડોશી રાજકોટ શું જાય છે?"

"બબડે છે કે, ગવન્ડરને બંગલે જઈને લાંધીશ."

"શી બાબત?"

"આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઊપડ્યું'તું ને સરકાર સામે?

"હા."

"તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસુંની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી'તી."

"અરે, રામ રામ!"

"ડોશીને કોઈ કહેવા ગ્યાં કે, આ તો સરકારી નોકરીઉં છોડવાનો કાળ છે ત્યારે તું ડાકણ ઊઠીને જનમભોમનું લૂણ હરામ કરી રહી છો? ડોશી કહે કે, લૂણ ખાવાનોય ત્રાંબિયો નથી રિયો ઘરમાં ને તમે બધા વાવટા ઝાલી ઝાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પડાવો છો તે મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકોએ એના ઘર કને સરઘસ લઈ જઈ ધડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડેચોક સંભળાવ્યું કે, તમારા વૈકુંઠ શેઠ ને કરસનપરસાદ દેસાઈ ખેડુની ખાલસા જમીનું છાનામાના હરરાજીમાં રાખી લ્યે છે, એને પીટો ને! આ બે મોવડીઓનાં એણે નામ લીધાં, એટલે તો પછી બાકી શું રે'? ડોશી તો રીઢી થઈ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીંસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી, ત્યારે પછી છોકરાના છાકા છૂટી ગયા: પાદરના ઝાડ હેઠે ગળાટૂંપો ખાધો, ને ડોશી હવે આવલાં મારે છે એ છોકરાંના બે નાનાં બાળસારુ સરકારી જિવાઈ મેળવવા."

"બે છોકરાંને ઘેર મૂકીને નીકળી છે?"

"હા, ઈ બેય પણ, ભાઈ, પાનકોરનો વસ્તાર છે! પરાક્રમી છે, પાંચવરસનો છોકરો છે ,ને ત્રણ વરસની છોકરી છે. મા તો મરી ગઈ છે; પણ ડોશી ઢેબરાં કરીને મૂકી આવી છે. એ ત્રણચાર દા'ડા ચાલશે. બાકીના દી અરધાં ભૂખ્યાં કાઢી નાખશે, ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે."