પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફેંદાઈ આખા ઘરમાં ફેંકાયાં: એકસામટી પચાસેક ઠાઠડીઓનાં ખાંપણો વડે પથરાયેલા સ્મશાન જેવું ભીષણ દીવાનનું ઘર બની ગયું: ફૂટ ફૂટ ઊંડી તો ઘરની જમીન ખોદાઈ ગઈ. ઘરની ચોપાસ ગામલોક સૂનમૂન જમા થયું હતું.

ઓરડેઓરડો ફેંદીને ફતેહખાન બહાર નીકળ્યા, "કંઈ જ નથી, સાહેબ !" કહીને શરમિંદા બન્યા, ત્યારે બહાર ઘોડાગાડીનો સંચાર સંભળાયો. ન્યાયાધીશ સાહેબ દોડતા અંદર આવ્યા; ફતેહખાન પ્રત્યે બોલી ઊઠ્યા: "બહાર બાપુ પધારેલ છે; કહે છે કે જડતી બંધ કરો. ગંઠો જડી ગયો છે."

"હેં ગંઠો જડી ગયો ?" એક અવાજ સંભળાયો.

એ બોલનારી કારભારી સાહેબની સુવાવડી પુત્રી હતી. સહુનું લક્ષ ત્યાં ગયું.

"ગંઠો જડ્યો કે ? મારા બાપુએ નો'તો ચોર્યો કે ? હેં, નો'તો ચોર્યો કે ? ચોર બીજા હતા કે ? બાપુજીને અમથા અમથા ચૂંથ્યા કે ? હેં-હેં-હેં-હેં-"

એવું બોલતી, હસતી, ચીસો પાડતી, રડતી, દાંતિયાં કરતી એ સુવાવડી દીકરી નીચે પટકાઈ. પરસાળના પથ્થરોએ એનું માથું ફોડી નાખ્યું.

વૃદ્ધ કારભારીએ માથું ખોળામાં લીધું ત્યારે એમાં જીવ નહોતો રહ્યો.