પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મીઠું લાગતું હોય તો પણ, તમારી મરજી નથી માટે, મારે ન પરણવું એમ ને? એટલે કે જૂના કાળની ન્યાતોનાં મહાજનો તોડીને એને ઠેકાણે હવે તમે તમારી જોહુકમીને સ્થાપવા માગો છો એમ ને? કૃપા કરીને પધારો. હવે અમારે ફોટો પડાવવા જવાનું મોડું થાય છે. જુઓ, સાંજ પડી ગઈ છે. ચાલો!" કહીને શારદાએ એના પિસ્તાલીસ વર્ષના પતિનો હાથ ઝાલ્યો.

પતિએ મોટર ભણી જતાં જતાં રાજેશ્વરને કહ્યું: "શારદાને જલદી વહેલું વૈધવ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરાવજો ને!"

[૩]

રાજેશ્વરે આ લગ્નની શક્ય હતી તેટલી તમામ ફજેતી કરી લીધી, છતાં લગ્ન થયું તો થયું, પણ શારદાના ખાસ આગ્રહથી માંડવાના શણગારો, દીવારોશની, વાજિંત્રો ને જલસાઓ, વરઘોડો ને મહેફિલ વગેરે તમામ લહાવા લૂંટાયા. વર-વધૂ ક્ષેમકુશળ પોતાને ગામ ચાલ્યાં. જતાંજતાં સ્ટેશન ઉપર શારદાએ સહુ લોકોના દેખતાં હીરાને બોલાવી, પોતાનું જૂનું કાંડા-ઘડિયાળ કાઢ્યું, ને હીરાને કાંડે બાંધતાં બાંધતાં કહ્યું: "યાદ છે ને? મામીએ તને બે આનાનું ખોટું જાપાની ઘડિયાળ લઈ આપેલું, તે મેં મારા હાથ પર બાંધેલું ત્યારે તેં આવીને એ ઝૂંટવી લીધેલું; ને મામી બોલેલાં કે એક તો આશ્રિત, અને વળી વાતવાતમાં હીરાનો વાદ! યાદ છે ને?"

કાંડા-ઘડિયાળ બંધાઈ રહ્યું, ને શારદા પોતાના વિજયના વાવટા સરીખો રૂમાલ ફરકાવતી આગગાડીના પાટાના વાંકમાં અદૃશ્ય બની.

"મોઈ!!!" હીરાની બા સ્ટેશન પર સ્તબ્ધ બની રહ્યાં: "એને તો વેર વાળવું હતું વેર! વાળ્યું બરાબરનું."

"બા!" વિભૂતિએ પોતાની વાત કહી: "બહુ બહુ દબાવવી પડેલી અભિલષાઓએ બહાર નીકળવાનો માર્ગ શોધ્યો."

"આપણા કાળા વાવટાની કશી જ કારી ન ફાવી. કેટલી નફ્ફટ!" ગામના જુવાનોએ નિઃશ્વાસ નાખ્યો.

"આ દેવેન્દ્રે નકામો રાજેશ્વરને ચડાવ્યો." એક જુવાને બીજા એક જુવાન પ્રત્યે આંગળી ચીંધી.