પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણીબૂઝીને ઘરમાંથી દૂર થઈ જતા; પત્નીને પણ પોતાની જોડે લઈ જતા.

એકલાં પડેલાં બેઉ ઉમેદવારોમાં વીરભદ્રની ભદ્રતા વિલસી રહી. એની સુજનતા, શાંતિ, નૈતિક જવાબદારીનું સતત સાવધાન ભાન અને એનું અગાધ જ્ઞાન-ડહાપણ: આ બધાંમાંથી રમા જે શોધતી હતી તે રમાને જડ્યું નહિ.

"આપણે પેલા પહાડોમાં ફરવા જશું ?" રમાએ સંધ્યા નમતી હતી ત્યારે પૂછ્યું.

"અત્યારે.... આટલા મોડા.... કોઈ શું કહેશે.... ?"

પહાડોમાં ઘૂમવાની મસ્ત ઊર્મિઓ ઉપર વીરભદ્ર જગતની ચોકીઓનો ઓળો ભાળતો હતો; અને ઘરની એકાન્તે બેઠાંબેઠાં અને કોઈની પહેરેગીરીનો ભય નહોતો. તેથી, એ રમાના પગને પોતાના પગની આંગળીઓ વડે ચોરની માફક સ્પર્શ કરતો હતો.

"તે રાત્રીએ મેં સ્ટેશન પર તમારી ઘણી રાહ જોઈ હતી;" વીરભદ્રે કહ્યું.

"તો પછી ઊતરી કેમ ન પડ્યા ?"

"પણ છેવટ સુધી તમારી વાટ હતી. પછી તો ગાડી ચાલી...."

"તો છલંગ કેમ ન મારી ?"

"મનમાં એમ કે, કંઈ નહિ.... સાહેબને મળી આવું; નોકરીનું નક્કી થઈ જાય તો ઠેકાણે પડીએ. પછી આપણે તો મેળાપનો સમય છે જ ને !"

રમાને આ ભાષામાં કોઈ ઊર્મિનો તણખો નહોતો જડતો. નોકરીની અને 'ઠેકાણે પડી જવા'ની ચિંતાનું જ ઘડેલું જાણે પૂતળું હોય તેવો એને વીરભદ્ર ભાસતો હતો.

"નોકરીનું શું થયું ?"

"મારે એ જગ્યા જોઈતી હતી તે તો ન જ મળી. સાહેબ કહે કે એ હોદ્દા પર તો એવો માણસ જોઈએ કે જે સામાજીક જીવનનું કેન્દ્ર બની શકે."

"એટલે ?"