લખાણ પર જાઓ

પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાની રહી હોય !”

રમાએ ખાસ કશો ઉમળકો ન બતાવ્યો.

“તું જુએ છે ને , રમા ? હું તો આપણા લગ્નજીવનને બીજા તમામથી કંઈકને કંઈક અદકેરું કરવા મથી રહ્યો છું. બીજાઓ જે ઉપલકિયા દંભો કરે છે, તે મારે ન જોઈએ. છો ને પછી લોકો મારાવિષે ગમે તેમ બોલે, જેઓ પોતાના જીવનમાં જ રસ નથી લઈ શકતા, તેઓ જ અદેખા થઈને આવી વરાળો કાઢે છે; આપણે તો સ્વર્ગે કે નરકે ગમે ત્યાં આંકડા ભીડીને એકસાથે જ સંચરવું છે.”

ચૂલા ઉપર આંધણની તપેલી વધુ ને વધુ ખિજાતી હતી. એલ્યુમિનિયમનું કાગળ જેવું બની ગયેલું ઢાંકણું વરાળના જોસે જ્યારે ઊછળીને નીચે જઈ પડ્યું ત્યારે પાછી રમા જયમનભાઈનો હાથ હળવેથી હેઠો મૂકીને ઊઠી.

“પણ બળતણ બળે છે તો મારી કમાણીનું બળે છે ને ! ક્યાં તારે સીમમાં વીણવા જવું પડે છે ! બેસ નીચે. એમ કહીને પાછો રમાનો છેડો ઝાલ્યો.

પ્રયત્ન્પૂર્વકનું હાસ્યકરીને રમા આ વેળા તો છેડો છોડાવતી છટકી ગઈ.

“ચૂલા-તપેલી ને પણ આપણી ઈર્ષા આવે છે, કેમ નહિ રમા?” જયમને સુંદર સાહિત્ય સરજ્યું.

રમા કશું બોલી નહિ, એને પેલી 'ક્યાં તારે વીણવા જવું પડે છે'ની ટકોર ગમી નહોતી.

“તું મૂંગી કેમ રહે છે ?” રસની આવી લૂંટાલૂંટ ફરી ક્યારે મળવાની છે ?... હાં – હાં પણ હું ભૂલી જાઉં છું કે તારું અંતર ભાવ થી એટલું ભરેલુ છે કે તારું મૌન જ એક કાવ્ય જેવું બની ગયું છે!”

મૌન બે જાતનું હોય છે; એક છલોછલ ભરેલા સરોવરનું ; અને બીજું ,થીજીને હિમ થઈ ગયેલ પાણીનું . જયમનની માન્યતા એવી હતી કે રમાના જીવનનું ખળખળ નાદે વહેતું જળ- ઝરણ અત્યારે પોતાનામાં લીન