પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોઇને ઊભી હશે' એવા મૂંગા અભિલાષને 'ઘોડો અને સવાર'ની રમતમાં ગાયેબ કરી નાખતાં. ઘર ઉઘાડ્યા પછી, એમાં કોઈક તો હોવું જોઈએ, આવડું મોટું ઘર ખાલીખમ તો હોય જ કેમ, હમણાં જાણે આ અથવા પેલા ખંડમાંથી બા બોલી ઊઠશે એવી લાગણી થવી કુદરતી હતી. પણ થોડીવાર ફોગટની રાહ જોઈને બેઠા પછી છોકરાં પાછાં સાચા ભાનમાં આવી જતાં. રસોડાની અભરાઈ પરથી સવારનું રાંધી મૂકેલું ખાવાનું ઉતારવા માટે ફરીથી 'ઘોડો ઘોડો' રમવાનું બેઉને બહુ મન થતું. પણ એક ને એક તરકીબથી કંટાળતાં બાળકો નવી નવી કરામતો અજમાવતા: મીઠાનું ડબલું, તે પર સાકરનું ડબલું ને તેની ઉપર ચાહનો ડબો ચડાવીને સરકસના હાથીની પેઠે રમેશ તે પર ચડતો. એની નકલ કરતી મંજરીને ખાંડનો સાંકડો ડબો દગો દેતો, એટલે તે પડતી ને રડતી. એને રડતી છાની રાખવા માટે રમેશની પાસે તો એક જ ઉપાય હતો: વળ દઈને ચૂંટી ખણવાનો ! આ ઉપાયની સામે હસનારાંઓએ ન ભૂલવું જોઈએ કે મોટી ઉંમરના માણસો પણ 'વ્યાધિ હજાર: ઔષધ બાર'ની છેતરપિંડી સંસારના હરએક ક્ષેત્રમાં રમે જ છે.

સ્નેહીસંબંધીઓને ત્યાંથી વિદાય લેતી વેળા હરિનંદન રોજ રાતે એ જ કારણ બતાવતો કે "છોકરાં એકલાં છે.... એને ખવરાવવાં સુવરાવવાં છે". મિત્રોની જામેલી મિજલસોમાંથી એ ઊઠી જતો ત્યારે બહાર પરસાળમાં જોડા પહેરતે પહેરતે એના કાન પર મિત્રોના બોલ અફળાતા: "મા વગરનાં બાળકોને કેવી કાળજીથી સાચવે છે !" "એ તો, ભાઈ, એનાથી જ થાય..." વગેરે વગેરે. ઘેર પહોંચીને એ જ્યારે ખાઈ કરીને ઊંઘી ગયેલાં છોકરાંને જોતો ત્યારે એના મનમાં પ્રશ્ન જાગતો: મા વિનાનાં છોકરાંને હું સાચવું છું ? કે પત્ની વિનાના પિતાને છોકરાં સાચવે છે !

દૂધ દૂધને ઠેકાણે ઢાંકી રાખેલું હોય, વાસણો મંજાવીને સુકાવી દીધાં હોય, અને રખે મોટાભાઈને ઓછું પડે તે બીકે છોકરાં શાકને અડક્યાં પણ ન હોય: હરિનંદનનું રસોડું રોજ રાતે આ જ કથા કહેવા તૈયાર રહેતું. રાત્રિની સ્તબ્ધ કુદરત જાણે એની રમૂજ કરતી: અલ્યા હરિનંદન ! ખોટું