પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મેં કહ્યું ખરું... પણ કોને કહ્યું તેનું તો મનેય ભાન નથી."

"આટલી ઉતાવળ નહોતી કરવી; કાલે મોકલવાં'તાં."

"હવે મને પસ્તાવો થાય છે."

"કોણ જાણે, આપણાં લોકો આગગાડીને દેખીને ભુરાંટા જ થાય છે, ભુરાંટા."

'ભુરાંટા' શબ્દ રામલાલની છાતી સોંસરો ગયો. એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું. લાલ લૂગડું દેખીને ગોધો વકરે. ઊંટને ભાળીને ભેંસ વીફરે, મિલ-માલિકને જોતાં આજકાલનો મજૂર-નેતા ચમકે, તેમ જ રામલાલ રેલગાડીના ગાર્ડ-ડબાનું ફાનસ ચલાયમાન થયું જોઈ પાગલ બની ગયો - એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતાં, વહાલસોયાં સ્વજનો લેખે વીસરી જઈ સામાનનાં નિષ્પ્રાણ પોટકાં સમજી લીધાં. અરે રામ ! માણસ પોટકાને પણ કોઈક જાણીતા અથવા ભરોસાપાત્ર સથવારા જોગ જ રવાના કરે. એક વાર દેશમાં કાચી હાફૂસનો કરંડિયો મોકલવો હતો ત્યારે પોતાના એક સંબંધીની જોડે મોકલવાનોય વિશ્વાસ નહોતો કર્યો રામલાલે; કેમકે એ સંબંધી રસ્તામાંથી કચુંબર કરવાય એકાદ કાચી કેરી કાઢી લેશે, એવો એને અંદેશો થયેલો. તો પછી આજ આ પોતે શું કરી બેઠો ?

બીજો એક માણસ રામલાલને કાનમાં વાત કહી ગયો. વાત કહેતાં કહેતાં એ કહેનારની આંખો ચારેય બાજુ જોતી હતી: જાણે કે રખેને કોઈક આ સ્ટેશનની દીવાલોના અથવા લાદીના પથ્થરો ઊંચા કરીને છુરી હુલાવવા નીકળી પડવાનો હોય !

તેણે વાત કહી તે આ હતી:

"શેઠ, એ ડબામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલારખો બેઠો'તો, ને બીજા આઠ-દસ એના ભંગેડીગંજેડી ગળાકાટુ સાથીઓ હતા. હું ત્યાં જ ઊભેલો હતો. ભેગી એક રાંડ હતી. તમામ મળીને રાંડની ઠઠ્ઠા કરતા'તા. એ રાંડને ધકાવી ધકાવી અલારખાને માથે