પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડ્યો, ત્યારે એની ચોગમ ભયના આકારો ભમવા લાગ્યા.

નીંદ નહોતી, પણ મગજ થાકી લોથ થઈ ગયું હતું. જ્ઞાનતંતુઓ ઉગ્ર બન્યા હતા; ને ન સ્મૃતિ કે ન સ્વપ્ન પણ બન્નેની મિલાવટમાંથી નીપજેલ એક ભયકથાએ એને પસીને રેબઝેબ કર્યો હતો.

એને એવો ભાસ થયો કે પોતે જે માણસને, 'મારાં બાલબચ્ચાંને સંભાળજો...' એવું કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એક વાર ક્યાંઈક ભેટો થયો હતો.

ક્યાં થયો હશે?

હા, હા, યાદ આવ્યું: રેલગાડીની જ એક મુસાફરીમાં. ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો. એનું મોં ભયાનક હતું, છતાં એણે મારી સામે હાથ જોડેલા કે, "ભાઈસાબ, થોડી વાર છિપાવા આપો, એકરાર કરું છું કે મારી પાસે અફીણના ચાર ગોટા છે ને મારી પાછળ પોલીસ છે."

આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું કે, "નહિ નહિ, બદમાશ! યહાં નહિ... નિકલ જાઓ યહાંસે."

એ મારી પત્ની રુક્ષ્મિણી સામે ફરીને કરગર્યો હતો કે "તું મેરી અમ્મા! મુઝે છિપને દે." પત્નીએ કહેલું કે "છોને બેઠો!" મેં પત્નીને ઝાડી નાખી 'પોલીસ-પોલીસની બૂમ પાડેલી. પોલીસે આવીને પકડ્યો હતો. મને અદાલતમાં શાબાશી મળી હતી ને એ બદમાશને ત્રણ વર્ષની ટીપ મળી ત્યારે મારી સામે જોઈ એણે શપથ લીધા હતા કે "રામલાલ, છૂટ્યા પછી તને જોઈ લઈશ..."

એ જ એ માણસ: એણે મારી પત્નીને પૂછપરછ કરી વેર વાળ્યું - ખૂન પીધું - હાય! ઓય!... રામલાલ પોતાના ઓયકારાથી જ જાગી ઊઠ્યો.

પ્રભાત આખરે પડવાનું તો હતું જ તે પડ્યું. દસેક વાગ્યે રામલાલને પોતાના સાળાનો તાર મળ્યો કે બધાં ઘણાં જ સુખરૂપ પહોંચી ગયાં છે. ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો. રામલાલને અચંબો થયો.