પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું શે સુખે સૂઉં? ખોટેખોટું સૂતી. બબલી રુવે... રુવે... બૌની બૌ રુવે. એ ભાઈ ઊઠ્યો; મને કહે કે, "અમા, કપડા દે." મેં ધાર્યું કે, લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું: "ભાઈ, વીરા, આ બધુંય લઈ જા: ફક્ત મારા શરીરને અડકીશ મા, ને મારાં ત્રણ છોકરાંને ઝાલીશ મા." હું તો ઉતારવા માડી ડોકના દાગીના. એ તો ઊભો ઊભો દાંત કાઢે. ઘોડિયાનું ખોયું પોટકીમાં ખોસેલું. તે એણે પોતાની જાણે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબાનાં પાટિયાં જોડે ઘોડિયું બાંધ્યું. બબલીને અંદર સુવાડી. છેટે બેઠો બેઠો હીંચોળ્યા કરે, ને એની પઠાણી બોલીમાં કોણ જાણે શાંયે હાલાં ગાય! મને થયું કે, 'જોતો ખરી, મોઈ! તાલ છે ને! એક તો હસવું, ને બીજી હાણ્ય. આ દાઢીમૂછોનો ધણી, સાત હાથનો ઊંચો ખવીસ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢી ગાય છે!' ગાતો ગાતો એ તો મંડ્યો રોવા: આંસુડાં તો ચોધાર આલ્યાં જાય. ખૂબ રોઈને વચમાં વચમાં બોલતો જાય કે "બીબી! બચ્ચા કિધર! તું કિધર! હમ કિધર!"

બબલીયે રાંડ કેવી! હું રોજ મારી-પીટીને ઉંઘાડું ને આંઈ તો આને હીંચોળ્યે ઘોંટી ગઈ. અરેરે! તમે કોઈ દાડો મારી બબલીને હીંચોળી છે? કોઈ દાડો હાલાંનો એક રાગડોય કાઢ્યો છે! તમે તો જ્યારે હું વીનવું ત્યારે, બસ, એમ જ કહીને ઊભા રહો કે "એ મારું કામ નહિ: હું મરદ છું." જોજો મરદ જોયા નહોય તો!

ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના ત્રણક વાગ્યા હશે. એક જંકશન આવ્યું. અમારા ડબાની સામોસામ બગલથેલીઓ ને બિસ્તરાનો એક ઢગલો લઈ વીસેક ખાખી દરેસવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના પર ગયા... પણ જઈને પાછા તરત ફર્યા. મારા ખાના ઉપર આવીને કહે કે "બાઈ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે."

મેં કહ્યું: "શા માટે?"

એ કહે: "ખબર નથી? લોકસેવકની સવારી જાય છે."

હું સમજી ન શકી. મેં પૂછ્યું: "તમે સરકારવાળા છો?"

એ લોકો હસ્યા; કહે કે "હા હા, આજની નહિ પણ આવતીકાલની સરકારવાળા! ચાલો ઊતરો; તમને બાજુના ડબામાં બેસારી દઈએ."

મેં દીન બનીને કહ્યું: "ભાઈ, મારાં નાનાં છોકરાં ઊંઘી ગયાં છે. મારી કને ઝાઝો સામાન છે."