પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ કહે: "શરમ છે, બાઈ! લોકસેવકને ચરણે જ્યારે બીજી સ્ત્રીઓ દરદાગીના ને હીરા-મોતીના હાર ઠલવે છે, ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતાં? તમને એટલુંય નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબામાં જ બેસવાનું વ્રત છે? અરેરે, તમને પેલી 'શ્રેષ્ઠ ભિક્ષા'વાળી કથાય નથી યાદ?"

હું તો કશું સમજી નહિ. મારાથી બોલાય ગયું કે "મૂવા તમારા લોકસેવક! જીવ શીદ ખાવ છો?"

મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું; પણ સાંભળીને પેલા કહે કે, ક્યાં જઈશ! ટૂંકમાં, મારા માથે માછલાં ધોવા મંડ્યા, ને મારાં પોટલાં ઊંચકી બાજુમાં કાઢવા ઉપર ચડ્યા. હું "એ ભાઈશાબ..." એટલું કહું ત્યાં તો સામેના ખાનાંમાંથી પેલો ઊઠ્યો:

ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી ઝાલી: ઝાલીને આંખો ફાડીને એટલું જ બોલ્યો કે, "ઇસ્કા ધનીએ અમકું કહ્યા હે કે, ઇસકા ધ્યાન રખના - માલૂમ ?"

પેલા બધાની તો આંખો જ ફાટી રહી; ને પેલો બોચીએથી ઝાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદન ઘો ટટળે એમ ટટળી રિયો. પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે! પેલો જે મને ઊતરવાનું કે'તો હતો, ને 'લોકસેવક' 'લોકસેવક' કરતો'તો તે જ તરત કહેવા મંડી પડ્યો કે, "ભાઈઓ, ચાલો બીજે ડબે. કોમી એકતાને તોડવી નજોઈએ. આપણે ગમે ત્યાં સાંકડેમોકડે ભરાઈ જઈશું. પઠાણો તો આપણા સાચા ભાઈઓ છે."

ને પછી કોઈકની જય બોલાવી, 'અલા હું અકબર'ના અવાજ કર્યા ને રવાના થઈ ગયા.

એકલો પડીને ય પેલો તો જાણે કે પોતાના મનને કહેતો હતો કે "અમકું બોલા -ઇસકું ધ્યાન રખના! એં? અમકું બોલા? અમકું? શાબાશ! અમકું બોલા કે, ધ્યાન રખજો: શાબાશ!"

એમ લવતો લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો; ઘડીક પોતાની છાતી થાબડે, ને ઘડીક પોતાની પીઠ થાબડે: ગાંડો જ થઈ ગયો હતો એ તો!

સવારે હું ઊતરી ત્યારે એણે બચલાને, જેન્તીડાને તેમ જ ટપુડાને ઝાલીને ઝાલીને બચીઓ ભરી: માથા પર હાથ મૂકી કહ્યું કે "સલામ માલેકુમ."

મેં કહ્યું: "ભાઈ, તમે મારી બહુ પત રાખી. મુંબઈ આવો તો અમારે ઘેર