પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓલ્યે ભવ પરતાપરાય શેઠની ગાડીના ઘોડાનો, ને કાં એમના ઘરની વહુવારુનો, અવતાર મળશે, હો!"

તે વખતે હું બહુ સમજણી નહોતી; પણ મારા મનમાં આ વિચાર દિવસ-રાત ઘોળાવા લાગ્યો: શા માટે રતન ડોશીએ પેલા અમારા ઘર સામેના રસ્તામાં સૂઈ રહેતી ઘરબાર વગરની ગાંડી વલૂડીના અવતારને બદલે, કે પેલી અમારે ઉંબરે રોજ લાકડી ખાઈને ચાલી જતી ટિપુડી કૂતરીના અવતારને બદલે, પ્રતાપરાય શેઠના ઘોડાનું ને એના ઘરની વહુવારુઓનું સુખ મારા પાપના બદલા તરીકે બતાવ્યું?

"તો તો હું ખૂબ પાપ કરીશ!" નાચતી કૂદતી હું બોલી ઊઠી: "મારે તો મરીને પ્રતાપરાય શેઠનો ઘોડો થવું જ છે. બહુ મઝા પડે - બહુ જ મઝા પડે. રતનમા, મને એ ઘોડો બતાવજો."

ગામના મોટા રસ્તાને કાંઠે જ અમારું ઘર હતું. ખડકી ઉઘાડીને રોજ સાંજે ઊંચાં પગથિયાં પર હું રતનમાની જોડે બેસતી, અને પેલા ઘોડાની વાટ જોતી.

"જો આવે: જો, સાંભળ, એના ઘૂઘરા બોલે!" એમ રતનમા કહેતાં કે તરત જ હું તૈયાર થઈ ઊંચે શ્વાસે ઊભી થઈ જતી. પછી જ્યારે ચકચકિત ગાડીને હળવા ફૂલની માફક રમાડતો એ ઘોડો પોતાના ડાબલાના તડબડાટ કરતો નીકળતો, ત્યારે એના કપાળમાં રમતી માણેક-લટ, એકબીજીને અડતી કાનની ટીપકીઓ, કમાન જેવી વાંકી ડોક, કેશવાળી અને શરીરના અવનવા થનગનાટો સામે નીરખી નીરખીને મારા હૈયાના મોરલા નાચી ઊઠતા: "અહાહા! રતનમા!" હું કહેતી: "આવા સુખનો અવતાર પામવા સારુ તો હું તમે કહો તેવાં પાપ કરું!"

"અરે મૂરખી!" રતનમાં સમજાવતાં: "આ તો થોડા દીનાં નાચણ ખૂંદણ: ભલે માણી લ્યે બચાડો..."

પણ મને એ કાંઈ ન સમજાતું. પછી તો હું સવાર-સાંજ, બસ, એ ઘોડાના જ ઘૂઘરાને કાન માંડીને બેસતી: રણકાર થાય કે દોડાદોડ ખડકીએ જતી: બા નવડાવતી હોય તો એના હાથમાંથી વિછોવડાવીને સાબુએ બળતી