પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેવી થઈ ગઈ હતી; પણ મને તો, જલદી ત્રણ દિવસ પૂરા થયે સાસરીમાં હેમખેમ પહોંચી જવાની ઊલટમાં ને ઊલટમાં, બાપુનું આ અપમાન તે વખતે બહુ ન સાલ્યું.

પછી મારી બાએ બહાર નીકળીને વેવાઈ પાસે ખોળો પાથર્યો. મોંમાં ધૂળની ચપટી લઈને માફી માગી. સાંજે અમે લગભગ વીસેક જાતનાં જુદાં જુદાં રાંધણાં કરીને જાનૈયાઓ માયલા માંદા, બાદીથી પિડાતા, હરસના રોગી, ગરમીના ભોગ થયેલા એવા દરેક ગૃહસ્થની સગવડ સાચવી. મોડી રાતે દાક્તરની જરૂર પડી, એટલે બાએ અમારા સંબંધી લલ્લુભાઈ દાક્તરને ગાડી મોકલી તેડાવી મગાવ્યા. પણ મારા જેઠજીએ લલ્લુભાઈનાં ખાદીનાં કપડાં જોઈ ભારી કંટાળો બતાવ્યો. દરદીને તપાસી લલ્લુભાઈ દાક્તરે સહેજ સ્મિત કરી કહ્યું કે "આમાં કશું જ નથી: તમે નાહક ગભરાયા! પેટમાં ગૅસ જ થયો છે..." તેથી તો જાનવાળાં સહુને અત્યંત ગુસ્સો આવ્યો; "તમારું કામ નહિ!" એમ કહી લલ્લુભાઈને પાછા કાઢ્યા.

"રાજકોટમાં શું કોઈ ગોરો દાક્તર જ ન મળે?" જેઠજી બૂમ પાડી ઊઠ્યા.

મારી બાએ પંદર રૂપિયાની ફીથી મેજર ફિનફેનીને તેડાવ્યા. એમણે દરદીને અરધા કલાક સુધી ઊંધો, ચિત્તો, પડખાભેર, પેડુમાં, નખમાં, આંખમાં, ગળામાં, કાનમાં વગેરે અંગેઅંગમાં તપાસ્યો; મોઢું ગંભીર રાખીને ભલામણ કરી કે "આખી રાત એક નર્સને આંહીં રાખવી પડશે; સંભાળ નહિ લેવાય તો આ કેસ આંતરડાના સડામાં ચાલ્યો જશે..."

"દોષ તો આમાં ખોરાકનો જ છે ને, સાહેબ?" જેઠજીએ પૂછ્યું.

"બેશક: ખોરાક અને પાણી."

પછી મેજર ફિનફેનીની મોટર જ્યારે ચાલી ગઈ ત્યારે સહુ ઘણો હર્ષ પામ્યાં. આખી રાત એક ખ્રિસ્તી નર્સને રોકવામાં આવી - અલબત્ત, અમારે ખર્ચે.

બધો વખત મારા બાપુ એક ઓરડીમાં પેસીને સૂઈ રહ્યા હતા.

આખરે હું સાસર-ઘેર આવી પહોંચી. રસ્તામાં મારા બાપુની