પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દીવડા ચેતાયા છે: તે દિવસથી તેમણે દેરાસરમાં જવું તેમ જ પર્યુષણના પર્વમાં ઘી બોલાવવું પણ કમતી કરી નાખ્યું છે: તે દિવસથી ઘેરઘેર કૂતરાંને ગરમાગરમ શેરો કરીને ખવરાવવાનું શરૂ થયું છે.

શેરાનો ભોગ ધરવામાં સહુથી વધુ મહિમા અમારા ગામના કૂતરા તૈમુરલંગનો છે. અમે તેને 'તૈમુરલંગ' કહીએ છીએ, કારણ કે એ કૂતરાનો એક ટાંગો ભાંગી ગયો છે, તેમ જ ત્રણ ટાંગે ઠેકતો ઠેકતો પણ એ પોતાની પાસે આવનાર હરકોઈને - ખાસ કરીને પોતાને શેરો ધરવા આવનારને - યુદ્ધનું આહ્વાન આપે છે!

પ્રત્યેક સાચા મહાયોગીની જે પ્રતિકૃતિ હોય, તે જ તૈમુરલંગની છે: યોગી પોતાને અન્નપ્રાશન કરાવવા આવનારનું પણ ગાળોથી જ સ્વાગત કરે છે. તૈમુરલંગ એક ઓલિયા ફકીરની ભૂમિકાએ પહોંચેલો જણાય છે.

શ્વાન-પૂજા અને શ્વાન-ભક્તિનો એવો તો પાકો રંગ અમારી વણિક પ્રજાને ચડી ગયો છે કે તેઓના સંઘ-બળનો તાપ અમારા પોલીસ-ખાતા પછી અમારા ન્યાય-ખાતા પર પણ પડ્યો છે. કૂતરાંની સંખ્યાને હદ બહાર વધારી મૂકે એવો તો ઘીના ફળફળતા માનભોગનો સ્વાભાવિક પ્રતાપ છે. આટલી બુલંદ સંખ્યા કૂતરાંની; તેમાં ઉમેરીએ કૂતરા-ભક્ત વણિક ઇત્યાદિ કોમોની સંખ્યા: બેઉનો સરવાળો બીજી વસ્તી કરતાં ચડી જવા લાગ્યો, એટલે વાણિયાઓની સાથોસાથ કૂતરાંનાં રક્ષણની જવાબદારી પણ અમારા મુન્સુફો પર આવી પડી.

એ જવાબદારી અમારાં ન્યાય-મંદિરોએ બેધડક બજાવી છે. તેના દાખલાઓ તો અનેક મોજૂદ છે. અમારા મોના મિસ્ત્રીએ ઘરની ઘોડાગાડી વસાવી તે દિવસથી જ ગામનાં કૂતરાંની અને કૂતરાં-પ્રેમી મહાજનની આંખો લાલ બની હતી.

ગાડાંગડેરાં બજારમાં નીકળે તેને તો અમારાં કૂતરાં સામે જોવા જેટલુંય મહત્ત્વ નહોતાં આપતાં: ગાડાવાળો બહુ બહુ હોકારો કરે ત્યારે સૂતેલાં કૂતરાં કેવળ ત્રીજા ભાગની આંખ ત્રાંસી કરીને પાછાં આરામમાં લય પામી જાય.