પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહ્યું.

"હાં, તો બરાબર..." મહાજનના શેઠિયાઓએ મોનાની સામે અમીની આંખો ઠેરવી: "તો પછી હાંઉ: તું વચ્ચેથી ખસી જા, મોના! અમે ફલજીને તો આરપાર કાઢવા જ માગીએ છીએ."

પછી મોનો સમજુ બનીને ખસી ગયો. એણે પણ ઉઘાડેછોગ હાકલ કરી કે, "કૂતરું ચેપાણું હોય તો તો મહાજનથી કેમ ચલાવી લેવાય? બાપડાં કૂતરાંનો ધણીધોરી કોણ? એણે ગામનું શું બગાડ્યું છે? કૂતરાંનું લોહી હળવું શા માટે? એ તો સારું થયું તૈમુરલંગ ચપળ હતો, એટલે ઝપાટામાંથી બચી ગયો; પણ ત્યાં કોઈ બાપડી ગાભણી કૂતરી ગાડીની હડફેટમાં આવી ગઈ હોત, તો ત્યાં ને ત્યાં જ એનો ગાભ જ ઢગલો થઈ જાતને! માટે જે કોઈ માણસ આવી ગફલતનો કરવાવાળો હોય - પછી એ મારો નોકર ફલજી હોય, કે બાપુ સાહેબનો કોચમેન રહેમતખાં હોય - એનો ન્યાય તોળાવો જ જોઈએ. કૂતરાં તો મૂંગાં જાનવર છે: એ ક્યાં જઈ ન્યાય મેળવશે?"

પછી ફલજીનો દંડ થયો. દંડ કોર્ટ ખાતે જમા ન કરતાં કૂતરાંપ્રેમી ન્યાયમૂર્તિએ દંડ એ તૈમુરલંગ વગેરે કૂતરાં-કુટુંબને શેરા ખવરાવવા ખાતે મહાજનને જ અપાવ્યો.

તે પછીથી અમારા ગામમાં કૂતરાંની સ્થિતિ સુધરતી જ આવે છે, ને અમે સૌ એવી આશાએ શેરા ખવરાવ્યા જ કરીએ છીએ કે કૂતરાંની આંતરડીની દુવાથી કોઈક દિવસ અમારી સર્વની સ્થિતિ ફૂલા શેઠ જેવી ફાલી નીકળશે.

કૂતરાંના રાતભરના કકળાટ અમને કોઈને ઊંઘ નથી આવવા દેતા, તો તેથી હિંમત હારી જવા જેવું શું છે? કૂતરાંના ભસવાથી વસ્તીના ઊંઘતાં છોકરાં ઝબકી ડરી જાય છે એવી દલીલ આજના જમાનામાં કામ આવે નહીં: આપણાં વણિકોનાં છોકરાંએ તો નાનપણથી જ કઠણ છાતીનાં બનતાં શીખવું જોઈએ.

કૂતરાંનો પાડ માનીએ કે આખી રાત આપણને જાગતા રાખી