પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતી. તે વેળા ધર્માલયની ખડકી ઉપર પોતાનાં ત્રણ છોકરાંને તેડી પદમા કણબીની વહુ બેઠી હતી. બેઠી બેઠી તે લવતી હતીઃ

"આવું તે કંઇ હોય! અમારો દસેદસ શેર લોટ કુતરાંને મોંએ નિરાવ્યો અને આ છોકરાનો બાપ ભૂખ્યો અને દાઝભર્યો પાછો પાણા ખાણે પાણા તોડવા હાલ્યો ગયો. હવે અમે બીજા દાણા બજારેથી ક્યારે લાવીયે, ક્યારે સોઇયે ઝાટકીયે, ક્યારે દળાવીયે ને ક્યારે રોટલા ભેળા થાયેં! આમ તે હોય! મોટા મા'રાજ ક્યાં ગયા? અમને ખાવાનું અલાવે ઝટ!"

"ક્યાં ગ્યા મોટા મા'રાજ!" કંકુનો અવાજ ફરી દેવાલયના ઘુમટ્ટ પર અફળાયો.

કંકુના બોલવામાં બીજાઓને સાધારણ હિંમત ભાસે; વસ્તુતઃ એની વાચામાં કોઇ જૂની પિછાણના પડઘા હતા. પચીસ કરતાં વધુ વર્ષો એ નહોતી વળોટી; છતાં એની લાલી અને તેજી ઓસરી ગઇ હતી. ભસ્મ બનેલી ફૂલવાડી પણ પોતે પૂર્વે એકાદ વાર કેવી પલ્લવિત હશે તેનું અનુમાન કરાવી શકે છે.પદમાની વહુ કંકુ પણ એક વાર યૌવનમાં નીતરી રહી હશે એવું, એના દેહ પર્ની કાળી દાઝો પરથી, કળાઇ આવે. ફરીને એણે બૂમ પાડીઃ"મોટા મા'રાજશરીને મારે મળવું છેઃ ક્યાં ગયા ઇ!"

ખડકીના અર્ધખુલ્લા દ્વારમાંથી એક ભરાવદાર મોં દેખાયું. એ મોં બોલી ઊઠ્યું: "શા માટે બૂમો પાડે છે?'

પોતાને ચીતરી ચડતી હોય એ ભાવે એ મોં આડું ફરીને ઊભું હતું.

કંકુએ ચોમેર જોઇ લીધું: કોઇ ત્યાં નહોતું. તૂટક તૂટક વાક્યો લવવા લાગીઃ "હાંઉ! બૂમો હવે વસમી.. તમારી તેલફૂલેલ કાયા ને મને ભળાવ્યો આ રૂંવેરૂંવે રોગ..તમારાં પાપે આ છોડી આંખ્યો વિનાની..હું ક્યાં જાઉં?"

"મને ફજેત કરવો છે?" પેલું મોં બોલ્યું.

"ફજેત કરવા હોત તો હું પાંચ વરસથી અલોપ ન થઇ ગઇ હોત! તમારે શું છે ફજેત થવાનું?"