પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવ૦— અલ્યા, તું અમને કોણ કહેનારો? અમારૂં ઘર શું જેવું તેવું છે? અમારા ગામમાં બીજા બધા બ્રાહ્મણો તો પછીથી રખડતા આવીને રહેલા, અને અમારૂં ઘર તો કદા—કદમીનું અસલનું છે. અમે હજાર રૂપૈયા ખરચીને દીકરીઓ સારે સારે ઘેર પરણાવીએ છીએ. અગનોતરા કાળમાં અમારો બાપ મરી ગયો, ત્યારે એક રૂપૈયાનું સવાશેર ઘી મળતું હતું, તોપણ અમે કરજે રૂપૈયા કહાડીને આખું ચોખળું તેડાવીને ત્રણ દહાડા સુધી બ્રાહ્મણોને લાડવા જમાડ્યા હતા. તારા બાપ પછવાડે તેં શું કર્યું હતું? બોલ ! બતાવ !

પાંચો૦— જીવરામભટ્ટ, એમ રીહ સડાવીએ નહિ, મરને કેતો, એના કેવાથી શું થવાનું સે?

જીવ૦— અલ્યા! અમારો બાપ વર્ષોવર્ષ શ્રાદ્ધ કરતા હતા, તે દહાડે સો સો બ્રાહ્મણોની પંગત થતી હતી. અમે જેવા તેવા નથી.

બીજલ૦— "મારે મુગલ, ને ફુલાય પીંજારા, " તેમ તમારો બાપ પૈસાદાર હતો, તેથી તમે આટલી બધી ફૂલ શેની મારો સો?

રંગલો

दोहरो

भटके उंधे मस्तके, वड डाळे वागोल;
मन जाणे में पग वडे, राख्यो खाली खगोळ. १५

જીવ૦— અરે અમે પણ એના એ છૈએ. બારસેં બારસેં રૂપૈયા ખરચીને ઉંચા કુળમાં દીકરીઓ પરણાવી છૈએ.

બીજલ૦— ( પાંચાને ) આ ખરી વાત હશે ? એની પાહે દહ વીહ હજારની મૂડી હશે?

પાંચો૦— એના બોલવા પરથી જણાયસે કે કાંઇ નથી. જેની પાંહે ધન કે વદ્યા હોય તે આમ ફુલાય નહિ.

રંગલો

दोहरो

जे पामे जन पूर्णता, ते न कदी फुलाय;
पूरो घट छलकाय नहि, अधूरो घट छलकाय. १६

બીજલ૦— ખરેખરો ફુલણજી સે.

રંગલો૦— રતાંધળો ! ! (એમ કહી નાસી જાય છે.)

જીવ૦— ઉભો રહે મહારંડના. નાશી કેમ જાય છે?

બીજલ૦— તમે ખીજાઓ સો હું કરવા ! હું તો કેતો નથી પણ બીજા લોક કેતાતા કે જીવરામભટ્ટ રાતે દેખતા નથી.

જીવ૦— કોણ કહેતું હતું?

બીજલ૦— અમારા ગામનો એક ભરામણ કેતોતો.