પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાઓ, તે વખતે તે જમવા બેસતો હોય, ને તેના સામા જઈને બેસો. પછી તે ભાત, દાળ વગેરે થોડુંક એકઠું ગંદા જેવું કરીને, જેમ કૂતરા કે બિલાડીને વાસ્તે ભોંય ઉપર ખાવા નાખે, તેમ તમારા સામું નાખીને કહે કે – આ લો, જીવરામભટ્ટ તમે; આ લો દીવાનજી તમે, તો બેઅદબી લાગશે કે નહિ? અને તેથી તમને રીસ ચડશે કે નહિ?

જીવ૦ – માણસને રીસ ચડે, પણ દેવને ચડે નહિ, મોટાનાં પેટ મોટાં હોય, કહ્યું છે કે-

दोहरो मोटा तणां पेट सदैव मोटां,
छोटा तणां पेट सदैव छोटां;
वर्षादने गाळ जनो भणे छे,
तथापि ते क्यां कदिये गणे छे? ४४

(પછી કાંઈ બબડીને પાંચ કોળીયા મોંમાં મૂકે છે.)

દેવબા૦ – એ શું કર્યું?

જીવ૦ – એ તો પ્રાણાગ્નિહોમ.

દેવબા૦ – પ્રાણાગ્નિહોમ એટલે શું?

જીવ૦ – શાસ્ત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણનો દીકરો રોજ અગ્નિહોમના કુંડમાં હોમ કર્યા વિના જમવા બેસે તો તેને મહાપાપ લાગે છે, માટે તેને બદલે પ્રાણરૂપી અગ્નિમાં પ્રથમ પાંચ આહુતિઓ હોમીને જમે તો તેને અગ્નિહોત્ર કર્યા જેટલું પુણ્ય થાય છે.

દેવબા૦ – કોળિયા વાળીને મોંમાં મૂક્યા, તે હોમ કર્યો કહેવાય કે?

જીવ૦ – હા, પ્રાણાગ્નિહોમ કહેવાય. પછી અગ્નિમાં હોમ કરવાની ઝાઝી જરૂર નથી.

દેવબા૦ – ત્યારે પ્રાણાગ્નિહોમ તો બધા પ્રાણીઓ કરે છે, તેમાં તમે શી નવાઈ કરી?

જીવ૦ – આહુતિનો મંત્ર ભણ્યા વિના કોળિયા ભરે તે પ્રાણાગ્નિહોમ કહેવાય નહીં.

દેવબા૦ – ઠીક છે, જમી લો.

જીવ૦ –(રઘનાથને) ગયા વરસમાં અમે ગોદાવરીની જાત્રાએ ગયા હતા, તે રસ્તામાં જે જે ગામ આવ્યાં, તે તે ગામના પંડિતોને બોલાવી ચરચા કરીને અમે જીત્યા હતા.

રઘના૦- કૈ વિદ્યામાં જીત્યા હતા?

જીવ૦ –વાચાળ વિદ્યામાં જીત્યા હતા.

રઘના૦- વાચાળ વિદ્યા કૈ કહેવાય ?

જીવ૦ –