પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોમના૦ – તમે અંગ્રેજીનો અર્થ કરશો કે?

જીવ૦ – અંગરેજી શું? તમારે ગમે તે પૂછો ને !

સોમના૦ – ‘Twinkle Twinkle Little Star’ ("ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર") એટલાનોજ અર્થ કરો જોઇએ ?

જીવ૦ – એમાં શું છે? ટ્વિંકલ ટ્વિંકલ એટલે ટપકાં ટપકાં, અને લિટલ લિટલ એટલે લીટા લીટા, સાહેબ કરે છે તે, (હાથનો ચાળો કરી બતાવે છે.)

સોમના૦ – એમાં તો આકાશના ચળકતા નાના તારા વિશે છે.

જીવ૦ – ત્યારે અમે એજ કહ્યું કે નહિ? દુનિયાનો સાહેબ આકાશમાં ટપકાં ટપકાં અને લીટા લીટા કરે છે તે.

સોમના૦ – ત્યારે અમારા દરબાર સ્કૂલ સ્થાપનાર છે, તેના માસ્તર તમે થશો?

જીવ૦ – ઉપરીની મહેરબાની હોય તો સ્કૂલ તો શું પણ કોલેજનું કામે ચલાવી શકીએ.

દેવબા૦ – હવે કંસાર કે કાંઈ લેશો કે?

જીવ૦ – ના હવે ભાત લાવો.

દેવબા૦- (ભાત પીરસે છે.)

જીવ૦ – (જમીને ચળું[૧] લઈને વાતો કરવા મંડે છે.) ગયા ચોમાસામાં અહિં વર્ષાદ કેવો હતો?

દેવબા૦ – હવે જઇને પેલી શેતરંજી ઉપર બેસો અને લુગડાં પહેરો.

જીવ૦ – અરે! ઘણે દહાડે ભેગાં થયાં છીએ, માટે પેટ ભરીને વાતો તો કરીએ ?

દેવબા૦ – જાઓ, વળી કાલ આખો દહાડો વાતો કરીશું.

જીવ૦ – મને તો તમારી આગળથી ઉઠીને જવાનું ગમતું નથી.

રંગલો – સાસુના મોઢાની વાતોમાં બહુ મીઠાશ હોય છે, કહ્યું છે કે,

शार्दूलविक्रीडित वृत्त

पूरी ने दूधपाक शाळ सरवे, लाडु सवाशेरियो,
द्राक्षा दाडम शेलडी सरस के, केळां तथा केरियो;
ए सौ स्वाद सृझ्या घणांय, पण ते, शुं श्रेष्ठ स्वादिष्ट छे?
वातो सासु तणा रुडा वदननी, मिष्टान्नथी मिष्ट छे. ५१

જીવ૦ – પણ તમે સોમનાથભટ્ટની વહુના સીમંત ઉપર અમને કંકોતરીજ મોકલી નહિ તે કાંઈ ઠીક કર્યું નહીં. એ બાબતનો અમારા મનમાં બહુ ધોખો લાગ્યો છે.

રંગલો – હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે !

રઘના૦ – (સોમનાથને હળવે) એ મિથ્યાભિમાનીનો હાથ ઝાલીને પેલી શેતરંજી ઉપર લઈ જઇને બેસાડ. એ તો આખી રાત લવારો કરશે.

  1. ?-હાથ ધોઈને.