પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થ– ફળવાળાં ઝાડ નમે કે ગુણવાન માણસ નમે; પણ સુકું લાકડું કે મૂર્ખ કદી નમે નહિ.

સોમના૦ – (લેઇને આપે છે) લ્યો આ કાગળ.

રંગલો૦ – જો જો ભાઇઓ, સૂરદાસજી કાગળ વાંચે છે! ખરેખરો વાંચશે કે શું?

રઘના૦– (સોમનાથને) એમાં તો ઝીણા અક્ષર છે, પેલા મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક.

સોમના૦ – કાંઇ ઝીણા નથી. આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે.

જીવ૦– આ લ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો (નાખી દે છે)

સોમના૦ – કેમ થયું?

જીવ૦– તમે કહો છો આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી, કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ.

ગંગા૦ – (ત્રણ આંગળીઓ બતાવીને) જીવરામભટ્ટ, આ કેટલાં આંગળા છે ? કહો જોઈએ.

જીવ૦– કહીએ તો તમે શું આપશો?

ગંગા૦ – લાખેણી લાડી આપી છે, ને હવે બીજુ શું આપીએ? જો અત્યારે દેખી શક્તા હો તો કહો.

જીવ૦– એમાં કહેવું શું? પાંચ છે.

ગંગા૦ – જૂઠા પડ્યા, જૂઠા પડ્યા (હસે છે)

જીવ૦– શી રીતે જૂઠા પડ્યા?

રંગલો૦ -

दोहरो

अभिमानीने अंतरे, भासे जो निज भूल,
तोपण तेनी जीभथी, कदी नहीं करे कबूल.

ગંગા૦ – ત્રણ આંગળીઓ ઊભી રાખીને બે આંગળીઓ વાળી લઈને મેં પૂછ્યું હતું.

જીવ૦– ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં ? ત્રણ આંગળીઓ ઉભી અમે દીઠી, અને બે વાળેલી દીઠી તે બધી મળીને પાંચ દીઠી, માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે?

સોમના૦ – (પાંચે આંગળા ખુલ્લાં રાખીને) વારૂ, આ કેટલી આંગળીઓ છે, કહો જોઈએ?

જીવ૦– (બીજી તરફ ગણે છે.) આ એક, બે, ત્રણ અને ચાર છે.

સોમ૦ – જૂઠા પડ્યા-જૂઠા પડ્યા.

જીવ૦– શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહિ.