પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રંડાપો આવશે, તેનો તો વિચાર કરતો નથી.

રંગલો—મને તો જમવાનું કાંઇ સાંભરતું નથી; પણ નાતની બાઇડીઓ પાણી ભરવા જતાં વાતો કરતી હતી, તેમાં એક જણીએ કહ્યું કે અરે! હમણાં તો નાતમાં જમવાનું ક્યાંઇ ઠરતું નથી. ત્યારે બીજીએ કહ્યું કે હવે જમવાના ઠરશે; કેમકે જીવરામભટ્ટ મરવા પડ્યા છે.

દેવબા૦—વૈદ્યરાજ, પંચકમાં મરે તેની કાંઇ ક્રિયા કરવી પડે કે?

વૈદ્ય—હા, દર્ભના પૂતળાં પાંચ કરીને તે માડદા સાથે બાળવા જોઇએ; ને કેટલીએક નાતોમાં તો પાંચ હાંલા ફોડવાનો ચાલ છે. એટલી શાંતિ કરે તો બીજાં ચાર મરે નહિ.

દેવબા૦— (રઘનાથભટ્ટને) તે બધું થતું હોય, તેમ સંભારીને કરજો, હો! નહિ તો એ તો આપને માથે ભાર.

રઘના૦—એ તો શુક્લ આવશે, તે સાંભરીને બધી ક્રિયા કરાવશે.

વૈદ્ય— હવે મને રજા આપો; કેમકે કદાપિ મરી જાય, તો મારા લુગડાં અભડાય.

રઘના૦—પધારોજી, તસ્દી માફ કરજો. (વૈદ્ય જાય છે.)

સોમના૦—જીવરામભટ્ટા હવે કાંઇ કહો છો?

જીવ૦—મારા બેહજાર રૂપૈયા વ્રજભુષણ દામોદરની [૧] દોકાને જમે છે.

રંગલો'—વ્રજભૂષણ દામોદરનો કોઇ ગુમાસ્તો આટલામાં છે કે ? કેમ આ ખરી વાત છે કે? હા, કે ના, કહેવી હોય તે અત્યારે કહેજો. નહિ તો જીવરામભટ્ટ મસાણમાં જશે, પછી કાલે સવારમાં રૂપૈયા બે હજાર રોકડા ગણી આપવા પડશે.

જીવ૦—સો રૂપૈઆનાં પુસ્તકો માર ઘરમાં છે. તમારી બહેન ન્હાની ઉમ્મરની છે, માટે તેને હંમેશા તમારે ઘેર રાખજો.

રંગલો—પુનર્વિવાહ કરશો તો શી ફીકર છે?

જીવ૦—મારૂં ઘર તથા સામાન વેચીને, તે રૂપૈયા તમારી બહેનના નામના સારે ઠેકાણે જેમ કરાવજો. તેના વ્યાજમાં તેનું ગુજરાન ચાલશે.

દેવબા૦—તમારો જીવ કશામાં રાખશો નહિ. તમારી પાછળ ગોદાન, પદ, ઉમામહેશ્વર, વગેરે આપીશ. તમારા જીવને સદગતિ કરજો.

રઘના૦—તમારી ઉત્તરક્રિયામાં ચોળખું તેડીને જમાડીશું, દક્ષણા આપીશું, એમાં પાંચસેં કે સાતસેં રૂપિયા વાવરીશું.

રંગલો—આટલું કમાઇને બિચરો મૂકી જાય છે ત્યારે તેના નિમિત્ત ધર્માદાખાતામાં કાંઇ આપવાનું કહોને?

રઘના૦—આ નાતો જમાડીશું તે ધર્માદા કે શું કહોને?

રંગલો—(મશાલચીને) મરો બાપ મરે ત્યારે હું તને જમાડીશ, અને તારો બાપ મરે ત્યારે તું મને જમાડજે, એવા ઠરાવથી એક બીજાને જમાડીએ તે ધર્માદા કહેવાય કે?

  1. જ્યાં આ નાટક થતું હોય ત્યાંના શાહુકારનું, કે સભામાં બેઠા હોય તે શાહુકારનું નામ લેવું