પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
મોત્સાર્ટ અને બીથોવન
 

થોડી ‘ક્વાર્ટેટ’ રચનાઓ માગી. તેને માટે બીથોવને જે ક્વાર્ટેટ્સ લખ્યાં તે ‘રેઝૂમોવ્સ્કી ક્વાર્ટેટ્સ’ નામે જાણીતાં બન્યાં. એમાં બીથોવને કેટલીક રશિયન લોકધૂનોનો પણ ઉપયોગ કર્યો છે. એ કાઉન્ટ મહેલમાં, બસ, સંગીતના જલસા કરતો : શુપૅન્જિક પ્રથમ વાયોલિન વગાડતો, કાઉન્ટ પોતે બીજું વાયોલિન વગાડતો, વીસ વાયોલા વગાડતો અને લિન્કે ચૅલો વગાડતો. એ સમયે બીથોવને આ ઉપરાંત ‘કોરિયોલૅન’ ઑવર્ચર, પિયાનો કન્ચર્ટો નં. 4, એક ચૅલો સોનાટા (ઓપસ 69) તથા એક કોરલ ફૅન્ટાસિયા પણ લખ્યા.

વૉક આઉટ

1806ના ઑક્ટોબરમાં અંતરિયાળ વિસ્તારમાં લિખ્નોવ્સ્કીના કિલ્લા ‘ગ્રાટ્ઝ કેસલ’માં બીથોવન લિખ્નોવ્સ્કી સાથે રહેતો હતો. એક સાંજે લિખ્નોવ્સ્કીએ થોડા મહેમાનોને ડિનરપાર્ટી માટે આમંત્રેલા. લિખ્નોવ્સ્કીએ એ મહેમાનોને વચન આપેલું કે જમ્યા પછી મહાન સંગીતકારને પિયાનો વગાડતા સાંભળવા મળશે. બીથોવનને એ વખતે પિયાનો વગાડવાની જરાય રુચિ નહોતી. (એ મહેમાનોમાં કેટલાક નેપોલિયોંના લશ્કરના અફસરો હતા માટે ?) પણ પ્રિન્સ લિખ્નોવ્સ્કીએ બીથોવનને ભારપૂર્વક આગ્રહ કર્યો અને માની જઈને પિયાનો વગાડવા આજીજી કરી. બીથોવને એક રૂમમાં જઈને અંદરથી નકૂચો વાસી દીધો. લિખ્નોવ્સ્કીએ બારણું ખૂબ ઠોક્યું પણ બીથોવને ખોલ્યું જ નહિ. ક્રોધિત લિખ્નોવ્સ્કીએ બારણું તોડી નાંખ્યું. એથી પણ વધુ ગુસ્સે ભરાયેલા બીથોવને નજીક પડેલી એક ખુરશી ઊંચકીને લિખ્નોવ્સ્કી પર ઉગામી. લિખ્નોવ્સ્કી જાન બચાવવા ભાગ્યો. રાતોચોળ બીથોવન વરસતા ધોધમાર વરસાદમાં લિખ્નોવ્સ્કીનો કિલ્લો છોડી પગે ચાલી નીકળ્યો. નજીકના કોઈ ગામમાં તેણે તે રાત વિતાવી. બીજે દિવસે વિયેના પહોંચી બીથોવને લિખ્નોવ્સ્કીને કાગળ લખ્યો :